છત્તીસગઢમાં 10 મહિલા સહિત 27 નક્સલવાદીઓનું સમર્પણ

નવી દિલ્હીઃ છત્તીસગઢના સુકમા જિલ્લામાં 10 મહિલાઓ સહિત કુલ 27 નક્સલવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આમાં કુલ 50 લાખ રૂપિયાના ઈનામ ધરાવતા 16 નક્સલીઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં પીપલ્સ લિબરેશન ગુરિલ્લા આર્મી (PLGA)ની બટાલિયન નંબર-1માં સક્રિય બે કટ્ટર નક્સલવાદીઓ સહિત 27 નક્સલવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરનાર નક્સલવાદીઓમાં પી.એલ.જી.એ. બટાલિયન નંબર-1ના સપ્લાય ટીમ કમાન્ડર ઓયામ લખમુ (53) પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર હતું. અન્ય આત્મસમર્પણ કરનાર નક્સલવાદીઓમાં પી.એલ.જી.એ. બટાલિયન નંબર-1નો સભ્ય મડવી ભીમા (18), રીજનલ મિલિટરી કંપની નંબર-2ની પાર્ટી સભ્ય સુનિતા ઉર્ફે કવાસી સોમડી (24) અને રીજનલ મિલિટરી કંપની નંબર-1ની પાર્ટી સભ્ય સોડી માસે (22) પર 8-8 લાખ રૂપિયાનું ઈનામ જાહેર હતું.

એ ઉપરાંત એક નક્સલી પર 3 લાખ, બે નક્સલીઓ પર 2-2 લાખ અને નવ નક્સલીઓ પર 1-1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે નક્સલવાદીઓએ છત્તીસગઢ સરકારની ‘છત્તીસગઢ નક્સલવાદી આત્મસમર્પણ પુનર્વસન નીતિ’ અને ‘નિયદ નેલ્લા નાર’ યોજનાથી પ્રભાવિત થઈને તેમ જ માઓવાદીઓના અમાનવીય વર્તન, ખોટી વિચારધારા, શોષણ અને બહારથી આવેલા માઓવાદીઓ દ્વારા થતી ભેદભાવપૂર્ણ વર્તણૂકથી ત્રસ્ત થઈ આત્મસમર્પણ કરવાનો નિર્ણય લીધો હતો.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે તમામ આત્મસમર્પિત નક્સલવાદીઓને સરકારની નવી પુનર્વસન નીતિ ‘છત્તીસગઢ નક્સલવાદી આત્મસમર્પણ પુનર્વસન નીતિ – 2025’ હેઠળ 50,000-50,000 રૂપિયાની પ્રોત્સાહન રકમ અને અન્ય સુવિધાઓ આપવામાં આવશે.

આ દરમિયાન ટોચના નક્સલી મલ્લોજુલા વેણુગોપાલ રાવ ઉર્ફે ભૂપતિએ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં 60 અન્ય નક્સલવાદીઓ સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં આત્મસમર્પણ કર્યું હતું. એક અધિકારીએ માહિતી આપી કે ભૂપતિ પર 6 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર હતું. અધિકારીએ જણાવ્યું કે નક્સલવાદીઓએ આત્મસમર્પણ સમયે પોતાના 54 હથિયારો પણ સોંપી દીધા, જેમાં 7 AK-47 અને 9 INSAS રાઇફલનો સમાવેશ થાય છે.