MBBS કર્યા વગર 28 સિનિયર હોસ્પિટલ મેનેજર બન્યા ડોક્ટર

રાંચીઃ ઝારખંડ સરકારનો આરોગ્ય, ચિકિત્સા શિક્ષણ અને પરિવાર કલ્યાણ વિભાગ હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી વરિષ્ઠ હોસ્પિટલ મેનેજર (સિનિયર હોસ્પિટલ મેનેજર)ની ભરતીના નોટિફિકેશન પર ગંભીર સવાલો ઊભા થયા છે. અહેવાલ મુજબ 23 જૂને જાહેર કરાયેલી ભરતીની યાદીમાં પસંદ થયેલા 29 ઉમેદવારોમાંથી 28નાં નામ આગળ ‘ડોક્ટર’ લખવામાં આવ્યું છે. જોકે આ ઉમેદવારોમાં કોઈ પણ પાસે MBBS ડિગ્રી નથી. તેઓ હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે જોડાયેલાં વિવિધ પદો પર કાર્યરત છે. સરકારી દસ્તાવેજમાં MBBS વગરના ઉમેદવારોને ‘ડોક્ટર’ તરીકે દર્શાવાતા વિવાદ સર્જાયો છે. આ મુદ્દે જૂનિયર ડોક્ટર નેટવર્ક, ઝારખંડે તેને ગંભીર વહીવટી ભૂલ ગણાવી છે. સંગઠને સરકારને તાત્કાલિક સુધારેલું નોટિફિકેશન જાહેર કરવાની અને પસંદ થયેલા તમામ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જાહેર કરવાની માગ કરી છે.

ભરતી પ્રક્રિયા પર પણ પ્રશ્નો

વિવાદ માત્ર ‘ડોક્ટર’ ઉપાધિ સુધી મર્યાદિત નથી. જાન્યુઆરી, 2025માં બહાર પાડવામાં આવેલા વિભાગીય સંકલ્પ મુજબ વરિષ્ઠ હોસ્પિટલ મેનેજરના પદ માટે MBBS ફરજિયાત હતું. એ સાથે હોસ્પિટલ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અથવા MBA જેવી વધારાની લાયકાત પણ જરૂરી હતી. એટલે કે ઉમેદવાર માટે પહેલાં MBBS ડોક્ટર હોવું અનિવાર્ય હતું, પરંતુ 20 જૂન, 2025એ  નેશનલ હેલ્થ મિશન (NHM) દ્વારા બહાર પાડવામાં આવેલા ભરતીના જાહેરાતપત્રમાં શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.

સરકાર પાસે સ્પષ્ટતા કરવાની માગ

જુનિયર ડોક્ટર નેટવર્કે માગ કરી છે કે જો રાજ્ય સરકારનો દાવો હોય કે તમામ પસંદ થયેલા ઉમેદવારો તબીબ છે, તો તેમની શૈક્ષણિક ડિગ્રીનો સંપૂર્ણ રેકોર્ડ જાહેર કરવામાં આવે. જો નોટિફિકેશનમાં ભૂલ થઈ હોય, તો તેને તાત્કાલિક સુધારી વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવે. હાલ સુધી આ સમગ્ર મામલે રાજ્યના આરોગ્ય વિભાગ અથવા સરકારના કોઈ પણ મંત્રીએ સત્તાવાર નિવેદન આપ્યું નથી. હવે સૌની નજર આરોગ્ય વિભાગના સ્પષ્ટીકરણ અને સંભવિત સુધારેલા નોટિફિકેશન પર ટકેલી છે.

નામ આગળ ‘ડૉક્ટર’ કેમ?

નિયુક્તિની અંતિમ યાદીમાં પસંદ થયેલા મોટાભાગના ઉમેદવારો હાલમાં સરકારી હોસ્પિટલોમાં હોસ્પિટલ મેનેજર તરીકે કાર્યરત છે. જો તેઓ તબીબ નથી, તો તેમના નામ આગળ ‘ડૉક્ટર’ લખવાનો આધાર શું છે? એવો સવાલ ઉઠી રહ્યો છે. ખાસ વાત એ છે કે જ્યારે ઉમેદવારોની શોર્ટલિસ્ટ જાહેર કરવામાં આવી હતી, ત્યારે તેમના નામ આગળ ડૉક્ટર લખવામાં આવ્યું નહોતું.

જૂનિયર ડૉક્ટર નેટવર્કે સરકારને પૂછ્યા સવાલ

જૂનિયર ડૉક્ટર નેટવર્ક, ઝારખંડના અધ્યક્ષ ડૉ. સુશીલ કુમારે સરકારને પૂછ્યું છે કે:

  • જેમના નામ આગળ ‘ડૉક્ટર’ લખાયું છે, તેમની વાસ્તવિક શૈક્ષણિક લાયકાત શું છે?
  • શું તમામ પસંદ થયેલા ઉમેદવારો પાસે MBBS અથવા માન્ય તબીબી ડિગ્રી છે?
  • જો નહીં, તો સરકારી અધિસૂચનામાં તેમને ‘ડૉક્ટર’ કયા આધાર પર લખવામાં આવ્યા?
  • જો આ માત્ર ટાઇપિંગ અથવા વહીવટી ભૂલ હોય, તો સુધારેલી અધિસૂચના જાહેર કરીને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે.

ડૉ. સુશીલ કુમારે જણાવ્યું કે સરકારી અધિસૂચના એક અધિકૃત અને કાનૂની દસ્તાવેજ છે. તેમાં વપરાતા દરેક શબ્દનું કાનૂની અને સામાજિક મહત્વ હોય છે. ‘ડૉક્ટર’ જેવી વ્યાવસાયિક ઉપાધિ માત્ર કાનૂની રીતે પાત્ર વ્યક્તિ માટે જ વાપરવી જોઈએ. અન્યથા તે તબીબી વ્યવસાયની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે અને સામાન્ય જનતામાં ગેરસમજ ઊભી કરી શકે છે.