નવી દિલ્હીઃ દેશમાં યુવાનોમાં આત્મહત્યાના કેસોમાં ભારે વધારો નોંધાયો છે. શાળામાં અભ્યાસ કરતાં બાળકો હોય, કોલેજના વિદ્યાર્થીઓ હોય કે પછી નોકરી કરતા યુવાનો—અલગ-અલગ કારણોસર લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.
રાજેન્દ્રનગર મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ પરથી ધોરણ 10મા અભ્યાસ કરતા શૌર્ય પાટીલે પણ કૂદીને આત્મહત્યા કરી હતી. તે સેન્ટ કોલંબિયા સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. સુસાઇડ નોટમાંથી બહાર આવ્યું કે તેના પર અનેક શિક્ષકો ત્રાસ ગુજારતા હતા. તેણે ફરિયાદો પણ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી. શૌર્ય સાથે હકીકતમાં શું બન્યું—તે તપાસનો વિષય છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે—એક નિર્દોષ બાળક જીવનથી હારી ગયો અને આત્મહત્યા જેવા મોટા પગલા માટે મજબૂર બન્યો.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના આંકડા બતાવે છે કે 1995થી 2021 વચ્ચે 1,34,735 યુવાનોએ આત્મહત્યા કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે છેલ્લાં 26 વર્ષમાં દેશમાં અંદાજે 33 લાખ લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાંથી 40 ટકા યુવાન અને બાળકો હતાં.
NCRBના આંકડા અનુસાર વર્ષ 2022માં દેશમાં 1,70,924 આત્મહત્યા નોંધવામાં આવી હતી, જે 2021ની તુલનામાં 4.2 ટકા વધુ છે.

દેશમાં વર્ષ 2022માં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા હતા, જ્યારે બીજા નંબર પર તામિલનાડુ, ત્રીજા પર મધ્ય પ્રદેશ, ચોથા પર કર્ણાટક અને પાંચમા ક્રમે પશ્ચિમ બંગાળ રહ્યું છે. જો કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરીએ તો દિલ્હીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે બીજા ક્રમે પુડુચેરી રહ્યું છે.
NCRBના 2022ના આંકડા મુજબ દેશમાં 1,22,724 પુરુષોએ, જ્યારે 48,172 સ્ત્રીઓએ આત્મહત્યા કરી હતી. રિપોર્ટ એ પણ દર્શાવે છે કે 18થી 30 વર્ષની ઉંમરના યુવાનોમાં આત્મહત્યાના કેસ સૌથી વધુ છે. આ વયજૂથની હિસ્સેદારી 34.6 ટકા નોંધવામાં આવી છે.


