નવી દિલ્હીઃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી એક વાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાને રવિવારે અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 34 લોકોનાં મોત થયાં છે, જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.પાકિસ્તાન સરકારના જણાવ્યાનુસાર આ હુમલો અફઘાનિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓનાં સ્થાનોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. સરકારનો દાવો છે કે આ કાર્યવાહી દરમિયાન તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)નાં સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. કરાચીમાં થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનના ત્રણ જવાનોનાં મોત થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. એ હુમલાની જવાબદારી જમાત-ઉલ-અહરારએ સ્વીકારી હતી, જેને પાકિસ્તાની તાલિબાનનો એક ગઠબંધન માનવામાં આવે છે.
પાકિસ્તાનના માહિતીપ્રધાન અતાઉલ્લા તરારે જણાવ્યું કે દેશમાં સતત વધી રહેલા આતંકી હુમલાઓને ધ્યાનમાં રાખીને અફઘાનિસ્તાન સામે આ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે. કેટલાક મિડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે હુમલામાં માર્યા ગયેલા 34થી વધુ લોકો આતંકવાદી નહીં, પરંતુ સામાન્ય નાગરિકો હતા. સમકાન જિલ્લાનાં આરોગ્ય કેન્દ્રમાં ઘાયલોની સારવાર કરી રહેલા ડોક્ટરોના જણાવ્યાનુસાર જ્યાં હુમલા કરવામાં આવ્યા ત્યાં કોઈ સૈન્ય ઠેકાણું નહોતું. અફઘાનિસ્તાન સરકારે આ હુમલાની નિંદા કરતાં તેને નિર્દોષ નાગરિકો પર સીધો હુમલો ગણાવ્યો છે.

તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદની ચેતવણી
અફઘાનિસ્તાન સરકારના સત્તાવાર પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે પાકિસ્તાની હુમલાની પુષ્ટિ કરતાં આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ કડક વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે રવિવારે મોડી રાત્રે પાકિસ્તાની વાયુસેનાના લડાકૂ વિમાનોએ અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને પક્તિકા, પક્તિયા અને કુનાર પ્રાંતોમાં ભારે બોમ્બમારો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાની સેનાએ ફરી એક વાર અફઘાનિસ્તાનની અખંડિતતાનું ઉલ્લંઘન કરીને સામાન્ય નાગરિકોના રહેણાક વિસ્તારો અને ઘરોને નિશાન બનાવ્યાં છે. આ કાયરતાપૂર્ણ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત અનેક નિર્દોષ લોકોનાં મોત થયાં છે અને ઘણા ગંભીર રીતે ઘાયલ થયા છે. પાકિસ્તાનને આ આક્રમકતાનાં ગંભીર પરિણામો ભોગવવાં પડશે.




