નવી દિલ્હીઃ દેશના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)એ દેશનાં રેલવે સ્ટેશનો પર પીવાના પાણીની ખરાબ ગુણવત્તાને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. CAGએ જણાવ્યું છે કે તપાસ દરમિયાન રેલવે સ્ટેશનો પર પીવાના પાણીના સેમ્પલમાં ઇ. કોલી (E. coli) બેક્ટેરિયા સહિત કુલ કોલિફોર્મ બેક્ટેરિયા મળી આવ્યા હતા. રેલવે સ્ટેશનોના પીવાના પાણીમાં E. coli બેક્ટેરિયા મળી આવતાં CAGએ ચિંતા વ્યક્ત કરી છે.
CAGએ જણાવ્યું કે રેલવે મંત્રાલયે મુસાફરોની સુવિધા માટે અનેક ધોરણો નક્કી કર્યાં છે, પરંતુ અલગ-અલગ રેલવે ઝોન આ ધોરણોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યાં છે. તેમાં વોટર કૂલરમાંથી મળતા પાણીમાં E. coli બેક્ટેરિયાની હાજરી તેમ જ શૌચાલયોમાં ગંદકી જેવી ગંભીર સમસ્યાઓનો સમાવેશ થાય છે. CAGએ આ માહિતી ઇન્ડિયન રેલવેઝમાં Non-Suburban Railway Stations પર Passenger Amenities and Sanitation’ નામના રિપોર્ટમાં આપી છે. આ રિપોર્ટ 12 ઓગસ્ટે સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. CAGએ તમામ રેલવે ઝોનના કુલ 512 નોન-સબર્બન કેટેગરીનાં રેલવે સ્ટેશનો પર મુસાફરોની સુવિધાઓની તપાસ કરી હતી.
8 રેલવે સ્ટેશનોના વોટર કૂલરમાં મળ્યા E. coli બેક્ટેરિયા
રિપોર્ટ મુજબ પીવાના પાણીના સેમ્પલની તપાસ દરમિયાન આઠ રેલવે સ્ટેશનોના વોટર કૂલરમાં E. coli બેક્ટેરિયા મળી આવ્યા હતા.
56 સ્ટેશનોના પાણીમાં મળ્યા કોલિફોર્મ બેક્ટેરિયા
CAG રિપોર્ટમાં જણાવાયું છે કે 2022-23 દરમિયાન 8 રેલવે ઝોનના 49 સ્ટેશનો પર પ્લેટફોર્મના નળમાંથી લેવામાં આવેલા પાણીના સેમ્પલમાં કોલિફોર્મ બેક્ટેરિયાની હાજરી જોવા મળી હતી. જ્યારે 2023-24 દરમિયાન 9 રેલવે ઝોનના 56 સ્ટેશનો પરથી લેવામાં આવેલા પાણીના સેમ્પલમાં પણ કોલિફોર્મ બેક્ટેરિયા મળી આવ્યા હતા. આ સ્થિતિ રેલવે સ્ટેશનો પર પીવાના પાણીની ગુણવત્તા અને પાણીની નિયમિત તપાસની વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા કરે છે.

458 રેલવે સ્ટેશનો પર જરૂરી સુવિધાઓની અછત
CAGએ 512 પસંદ કરાયેલા રેલવે સ્ટેશનોનો અભ્યાસ કર્યો હતો. તેમાંથી 458 સ્ટેશનો મુસાફરો માટેની ન્યૂનતમ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યાં હતાં.
201 સ્ટેશનો પર ટોયલેટની અછત
CAGની રિપોર્ટમાં મુસાફરોની સુવિધાઓ સાથે જોડાયેલી ખામીઓનો પણ વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. Passenger Amenities Management Systemના ઓડિટ દરમિયાન જાણવા મળ્યું કે 201 સ્ટેશનો પર ટોયલેટની અછત છે. આ ઉપરાંત 403 સ્ટેશનો પર યુરિનલની અછત અને 2,035 સ્ટેશનો પર પાણીની અછત નોંધાઈ હતી. આ આંકડા દર્શાવે છે કે દેશના મોટી સંખ્યામાં રેલવે સ્ટેશનો પર મુસાફરોની મૂળભૂત જરૂરિયાતોને લગતી સુવિધાઓ હજુ પણ પૂરતી નથી.






