નવી દિલ્હીઃ દેશની બેંકોમાં નાણાકીય વર્ષ 2025-26માં છેતરપિંડી (ફ્રોડ)ના કેસોની સંખ્યા તો ઘટી છે, પરંતુ આ કેસોમાં સામેલ રકમ છેલ્લાં ત્રણ વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. તેનું મુખ્ય કારણ લોન અને એડવાન્સ સાથે જોડાયેલા મોટા ફ્રોડ કેસો રહ્યા છે, જેમનો સૌથી વધુ પ્રભાવ સરકારી બેંકો પર પડ્યો છે. રિઝર્વ બેન્ક (RBI)ના વાર્ષિક રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2025-26માં બેંકોમાં રૂ. 48,021 કરોડની છેતરપિંડી નોંધવામાં આવી છે, જે અગાઉના વર્ષના રૂ. 32,803 કરોડની સરખામણીએ 46.4 ટકા વધુ છે. આ રકમ નાણાકીય વર્ષ 2023-24માં નોંધાયેલા રૂ. 11,013 કરોડની સરખામણીએ ચાર ગણાથી પણ વધુ છે.
જોકે ફ્રોડના કેસોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2025-26માં 10,114 કેસ નોંધાયા, જ્યારે ગયા વર્ષે આ સંખ્યા 23,722 હતી. એટલે કે કેસોની સંખ્યામાં આશરે 57 ટકા ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2023-24ના 35,800 કેસોની સરખામણીએ આ ઘટાડો લગભગ 72 ટકા છે.
છેલ્લાં ત્રણ વર્ષના આંકડા દર્શાવે છે કે જ્યાં ફ્રોડના કેસોની સંખ્યા સતત ઘટી રહી છે, ત્યાં તેમાં સામેલ રકમ ઝડપથી વધી રહી છે. નાણાકીય વર્ષ 2023-24થી 2025-26 દરમિયાન કેસોની સંખ્યા બે-તૃતીયાંશથી વધુ ઘટી, પરંતુ રકમમાં 336 ટકા વધારો થયો છે.
સરકારી બેંકો પર સૌથી વધુ અસર
નાણાકીય વર્ષ 2025-26માં સરકારી બેંકોને ફ્રોડને કારણે રૂ. 35,709 કરોડનું નુકસાન થયું છે. આ ગયા વર્ષની રૂ. 23,617 કરોડની સરખામણીએ 51 ટકા વધુ છે. કુલ ફ્રોડ રકમમાં સરકારી બેંકોની ભાગીદારી વધીને 74.5 ટકા થઈ ગઈ છે. જોકે સરકારી બેંકોમાં નોંધાયેલા કેસોની સંખ્યા ઘટીને 5418 રહી, જ્યારે એક વર્ષ પહેલાં તે 6916 હતી.
ખાનગી બેંકોમાં પણ વધ્યો નુકસાનનો આંકડો
ખાનગી બેંકોમાં ફ્રોડની રકમ વધીને રૂ. 11,399 કરોડ થઈ ગઈ, જે ગયા વર્ષના રૂ. 8927 કરોડ કરતાં 27.7 ટકા વધુ છે. જોકે કુલ ફ્રોડ રકમમાં તેમની ભાગીદારી 23.7 ટકા રહી, જ્યારે કુલ કેસોમાં તેમનો હિસ્સો 39.1 ટકા હતો.
લોન સંબંધિત ફ્રોડ સૌથી મોટી ચિંતા
લોન અને એડવાન્સ સંબંધિત ફ્રોડની રકમ વધીને રૂ. 40,774 કરોડ પહોંચી ગઈ. આ ગયા વર્ષની સરખામણીએ 34 ટકા અને નાણાકીય વર્ષ 2023-24ની સરખામણીએ 357 ટકા વધુ છે. કુલ ફ્રોડ રકમમાં તેમની ભાગીદારી આશરે 85 ટકા રહી. આવા કેસોની સંખ્યા પણ વધીને 8640 થઈ ગઈ, જ્યારે ગયા વર્ષે તે 7924 હતી. RBIના આંકડા દર્શાવે છે કે બેંકોમાં નાના અને ડિજિટલ ફ્રોડના કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ મોટી લોન સંબંધિત ફ્રોડ હજુ પણ બેંકિંગ ક્ષેત્ર માટે સૌથી મોટી પડકારરૂપ સમસ્યા બની રહ્યા છે.






