નવી દિલ્હીઃ છેલ્લાં 10થી 12 વર્ષમાં ભારતે ગરીબી નાબૂદીના મોરચે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. છેલ્લા એક દાયકામાં ભારતમાં ગરીબી ઘટવાનો દર દુનિયામાં સૌથી ઝડપી રહ્યો છે. વર્ષ 2011થી 2023 દરમિયાન 12 વર્ષમાં દેશમાં અંદાજે 49.6 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.
વર્લ્ડ બેંકના ‘ઇન્ડિયા પોવર્ટી એન્ડ ઇક્વિટી બ્રીફ’ (India Poverty and Equity Brief) અહેવાલ અનુસાર ભારતમાં ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 2011માં દેશની 57.7 ટકા વસ્તી ઓછી આવક ધરાવતા મધ્યમ આવકવાળા દેશો માટે નક્કી કરવામાં આવેલી ગરીબી રેખા નીચે જીવતી હતી. જ્યારે વર્ષ 2023માં આ આંકડો ઘટીને માત્ર 16.1 ટકા થઈ ગયો છે.
અત્યંત ગરીબીમાં પણ મોટો ઘટાડો
અહેવાલ અનુસાર અત્યંત ગરીબી એટલે કે દરરોજ 3 ડોલર (આશરે 250 રૂપિયા)થી પણ ઓછી આવકમાં જીવન ગુજારતા લોકોની સંખ્યા વર્ષ 2011માં 27.1 ટકા હતી, જે વર્ષ 2023માં ઘટીને માત્ર 2.6 ટકા રહી ગઈ છે. આ આંકડા દર્શાવે છે કે છેલ્લાં 12 વર્ષમાં દેશમાં અત્યંત ઓછી આવક ધરાવતા લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
આવકની સાથે જીવનધોરણમાં પણ સુધારો
ભારતમાં ગરીબીમાં ઘટાડો માત્ર આવકને આધારે જ નહીં, પરંતુ શિક્ષણ, આરોગ્ય અને જીવનધોરણ જેવી સુવિધાઓને આધારે પણ જોવા મળ્યો છે.ઓક્સફર્ડના OPHI (Oxford Poverty and Human Development Initiative)ના બહુપરિમાણીય ગરીબી સૂચકાંક અનુસાર વર્ષ 2005-06માં ભારતની 53.8 ટકા વસ્તી બહુપરિમાણીય ગરીબીનો સામનો કરી રહી હતી. વર્ષ 2019-21 સુધીમાં આ પ્રમાણ ઘટીને 16.4 ટકા થયું હતું. બીજી તરફ, વર્લ્ડ બેંકના પોતાના બહુપરિમાણીય ગરીબી માપદંડ અનુસાર, વર્ષ 2022-23માં ભારતમાં બહુપરીમાણીય ગરીબીનો દર 15.5 ટકા નોંધાયો હતો.
દેશના અમીર અને ગરીબોની આવક વચ્ચે 13 ગણો તફાવત
જોકે સૌથી મહત્ત્વની બાબત એ છે કે ગરીબીમાં ઘટાડો થયો હોવા છતાં આવકની અસમાનતા યથાવત્ છે. અમીર અને ગરીબોની આવક વચ્ચે હજુ પણ મોટો તફાવત જોવા મળી રહ્યો છે.વર્લ્ડ બેંકના ઓક્ટોબર, 2026ના ‘ઇન્ડિયા પોવર્ટી એન્ડ ઇક્વિટી બ્રીફ’ અહેવાલ અનુસાર દેશમાં સૌથી વધુ કમાણી કરતા 10 ટકા કર્મચારીઓ સૌથી ઓછી કમાણી કરતા 10 ટકા કર્મચારીઓની સરખામણીમાં સરેરાશ 13 ગણી વધુ આવક મેળવે છે.




