કોલકાતામાં પાંચની તીવ્રતાનો ભૂકંપઃ ઘરો, ઓફિસોમાં બહાર નીકળ્યા લોકો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભૂકંપની જોરદાર આંચકા અનુભવાયા છે. કોલકાતામાં બપોરે અંદાજે 1:20 વાગ્યે લોકો ભયભીત થઈ ગયા, કારણ કે અચાનક જમીન ધ્રૂજી ઊઠી. કોલકાતા ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ આ આંચકાઓ અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4 નોંધાઈ હતી. પ્રાથમિક અહેવાલ મુજબ, ભૂકંપનું કેન્દ્ર બાંગ્લાદેશમાં હતું.

આ પહેલા, શુક્રવારે વહેલી સવારે નેપાળના પૂર્વી ભાગમાં પણ જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.7 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળના સંખુવાસભા જિલ્લામાં હતું, જેને કારણે આસપાસના અનેક જિલ્લાઓમાં પણ ધ્રુજારી અનુભવાઈ.શુક્રવારે વહેલી સવારે 3:18 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો. મોટા ભાગના લોકો ઊંઘમાં હતા ત્યારે અચાનક આવેલા આંચકાઓને કારણે તેઓ ઘરોની બહાર દોડી આવ્યા. ભૂકંપનું મુખ્ય કેન્દ્ર કાઠમંડુથી અંદાજે 400 કિલોમીટર પૂર્વમાં સ્થિત સંખુવાસભા-તાપ્લેજુંગ સીમા વિસ્તારમાં ટોપકે ગોલા નજીક હતું. સંખુવાસભા ઉપરાંત નેપાળના અન્ય ઘણા પૂર્વી જિલ્લાઓમાં પણ લોકો ધ્રુજારી અનુભવતા જોવા મળ્યા. ભોજપુર, પંચથર, તેહરથુમ અને તાપ્લેજુંગ જિલ્લાના રહેવાસીઓએ પણ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.

એ પહેલાં, સિક્કિમમાં ગુરુવારે 4.6 અને 3.5 તીવ્રતાવાળા ભૂકંપના આંચકા નોંધાયા હતા. ભૂકંપનું કેન્દ્ર ગ્યાલશિંગ જિલ્લાના યુકસોમથી ચાર કિલોમીટર ઉત્તર-પૂર્વમાં 10 કિલોમીટર ઊંડાઈએ હતું. માંગન જિલ્લામાં બપોરે 12:17 વાગ્યે 3.5 તીવ્રતાવાળો બીજો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્ર ગંગટોકથી 11 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં 10 કિલોમીટર ઊંડાઈએ હતું.