બેંગલુરુઃ કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની એક શાખામાંથી નકાબપોશ અને હથિયારોથી સજ્જ ગુનેગારો બેંકમાંથી 58 કિલો સોનું અને 8 કરોડ રૂપિયા રોકડ લૂંટી ગયા છે. આ ઘટના બાદ આ વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે અને પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી છે.
સૈનિકોની વર્દીમાં આવ્યા હતા લૂંટારુઓ
મંગળવાર સાંજે લૂટારુઓ બેંકમાં ઘૂસી ગયા હતા. તેમણે બેંક મેનેજર, કેશિયર અને કર્મચારીઓને બંદૂકો તથા અન્ય હથિયારો વડે ધમકાવ્યા હતા. કર્મચારીઓને એલાર્મ બટન દબાવતા અટકાવ્યા અને બધાને બાંધીને રાખ્યા હતા આ લૂંટારુઓએ સૈન્યની વર્દી પહેરી રાખી હતી. આ ઘટના બાદ લૂંટારુઓ સોનું અને રોકડ લઈને કારમાં ફરાર થઈ ગયા હતા, એમ સ્થાનિક મિડિયા અહેવાલ જણાવે છે.
મહારાષ્ટ્રમાં મળી લૂંટારુઓની કાર
બેંકમાંથી લૂંચ કરનાર લૂટારુઓને પકડવા માટે કર્ણાટક અને મહારાષ્ટ્ર પોલીસે સંયુક્ત શોધ અભિયાન શરૂ કર્યું છે. આ ઘટનાએ બન્ને રાજ્યોની પોલીસને સતર્ક કરી દીધી છે. આ લૂંટારુઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલી કાર મહારાષ્ટ્રના પંઢરપુરમાં લાવારિસ હાલતમાં મળી આવી છે. આથી એ સંકેત મળે છે કે ગુનેગારો એક આંતરરાજ્યીય ગેંગ હોઈ શકે છે. પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને બેંકની બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
