જાપાનમાં વહેલી સવારે ભૂકંપના ઝટકા: 6.2ની તીવ્રતાથી ધરા ધ્રુજી

6.2 Magnitude Earthquake Hits Japan's Hokkaido Island

જાપાન:  હોકાઈડો ક્ષેત્રમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના શક્તિશાળી ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 નોંધાઈ. વહેલી સવારે ગાઢ નિદ્રામાં રહેલા લોકો ભૂકંપને કારણે ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.

જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા મુજબ, ભૂકંપ સોમવારે વહેલી સવારે 5:24 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 01:54 વાગ્યે) આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા મધ્ય ટોકાચી ક્ષેત્રમાં જાપાનીઝ સ્કેલ પર ‘5+’ નોંધાઈ હતી. રાહતની વાત એ છે કે, ભૂકંપ બાદ અત્યાર સુધી સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. તેમજ કોઈ મોટી જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના અહેવાલો મળ્યા નથી.

હવામાન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારના લોકોને આગામી થોડા દિવસો સુધી સંભવિત ‘આફ્ટરશોક્સ’ માટે સતર્ક રહેવાની સલાહ આપી છે. આપને જણાવી દઈએ કે, 20 એપ્રિલના રોજ ઉત્તરી જાપાનમાં 7.5ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ ઈવાતે પ્રાંતના કુજી બંદર પર 80 સેમી ઊંચા સુનામીના મોજા જોવા મળ્યા હતા. જાપાન ભૂકંપના ‘રિંગ ઓફ ફાયર’ પર સ્થિત હોવાથી અહીં અવારનવાર આવી કુદરતી આપત્તિઓ સર્જાતી રહે છે.