ગુજરાત પોલીસના ૬ અધિકારી ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક-૨૦૨૬’થી સન્માનિત

ગાંધીનગર: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૬ માટે પ્રતિષ્ઠિત ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક’ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય પુરસ્કાર અંતર્ગત દેશભરના વિવિધ સુરક્ષા દળોમાંથી ૪૯૦ કર્મીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં જટિલ ગુનાઓની ઊંડાણપૂર્વક અને વૈજ્ઞાનિક તપાસ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ ગુજરાત પોલીસના ૬ અધિકારીઓએ આ ગૌરવશાળી સિદ્ધિ હાંસલ કરી છે.

સુરક્ષા દળોનું મનોબળ વધારવા ૧ ફેબ્રુઆરી, ૨૦૨૪થી આ પદકની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતમાંથી આ એવોર્ડ મેળવનારા અધિકારીઓમાં એસપી અંશુલ જૈન, એએસપી સિમરન ભારદ્વાજ, ડીવાયએસપી રણજીતસિંહ સિંઘલ, પોલીસ ઇન્સ્પેક્ટર જયેશ ઠાકોર, પોલીસ ઇન્સ્પેક્ટર પાર્થેન્દ્રસિંહ વાઘેલા અને પોલીસ ઇન્સ્પેક્ટર ગુણવંત મનુભાઈ હડિયાનો સમાવેશ થાય છે.

આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતા રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે મળેલું આ પ્રતિષ્ઠિત સન્માન સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. તેમણે ઉમેર્યું કે આ અધિકારીઓએ જટિલ કેસોની નિષ્ઠાવાન, તાર્કિક અને તલસ્પર્શી તપાસ કરીને ન્યાયિક પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી છે, જે અન્ય પોલીસકર્મીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.