મહારાષ્ટ્ર: મુંબઈ નજીક આવેલા ભિવંડી વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. એક ચાર માળની રહેણાંક ઈમારત (કોહિનૂર એપાર્ટમેન્ટ) અચાનક ધરાશાયી થઈ જતાં ઓછામાં ઓછા ૬ લોકોના મોત થયા છે. અન્ય કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.
મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, ૪૮ રૂમ ધરાવતી આ ઈમારતને મહાનગરપાલિકા દ્વારા અગાઉ જ અતિ ભયજનક ઘોષિત કરવામાં આવી હતી અને ઘટના સમયે ત્યાં સમારકામ ચાલી રહ્યું હતું. ગુરુવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ ઈમારતમાંથી તિરાડો પડવાના અને કડાકાના અવાજો આવતાં જ સ્થાનિકોએ તંત્રને જાણ કરી અનેક પરિવારોને સમયસર બહાર કાઢી લીધા હતા. જોકે, કેટલાક લોકો બહાર નીકળી રહ્યા હતા તે દરમિયાન જ રાત્રે ૧૧:૩૦ વાગ્યે ઈમારતનો ‘બી’ વિંગ કડડભૂસ થઈને તૂટી પડ્યો હતો.
અત્યાર સુધીમાં કાટમાળમાંથી ૬ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના રિપેરિંગ કામ કરી રહેલા મજૂરો હોવાનું પ્રાથમિક તારણ છે. આ ઉપરાંત ૬ લોકોને સશરીર ઉગારી લેવાયા છે અને એક ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલમાં NDRF, TDRF, સ્થાનિક ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ દ્વારા શ્વાન પથક (Dog Squad) અને ભારે મશીનરીની મદદથી યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.




