હિમાચલ પ્રદેશમાં પેટ્રોલ-ડીઝલમાં લિટરદીઠ 60 પૈસાનો વધારો

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં આજથી પેટ્રોલ અને ડીઝલ મોંઘાં થયાં છે. રાજ્ય સરકારે પેટ્રોલ અને હાઈ સ્પીડ ડીઝલ પર 60 પૈસા પ્રતિ લિટરના દરે ‘ઓર્ફન એન્ડ વિડો સેસ’ એટલે કે અનાથ અને વિધવા સેસ (Orphan and Widow Cess) લગાવવાની જાહેરાત કરી છે. આ સેસ 11 ઓગસ્ટ, 2026ની મધરાતથી અમલમાં આવ્યો છે. રાજ્યના કર અને આબકારી વિભાગે 11 ઓગસ્ટે જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવ્યું છે કે પેટ્રોલ અને હાઈ સ્પીડ ડીઝલ બંને પર પ્રતિ લિટર રૂ. 0.60 (60 પૈસા)ના દરે સેસ વસૂલવામાં આવશે.

સરકારના નોટિફિકેશન મુજબ હિમાચલ પ્રદેશમાં પ્રથમ વખત વેચાણ સમયે અનાથ અને વિધવા સેસ વસૂલવામાં આવશે. આ સેસ ‘હિમાચલ પ્રદેશ વેલ્યુ એડેડ ટેક્સ એક્ટ, 2005’ની કલમ 6-A હેઠળ લાગુ કરવામાં આવ્યો છે. તેને રાજ્ય કેબિનેટની મંજૂરી મળી ચૂકી છે. માર્ચમાં રાજ્ય વિધાનસભાએ ‘હિમાચલ પ્રદેશ વેલ્યુ એડેડ ટેક્સ (સુધારા) બિલ, 2026’ પસાર કર્યા બાદ આ સેસ લાગુ કરવામાં આવ્યો છે.

હજુ વધુ મોંઘાં થવાની આશંકા

આ સુધારાથી પેટ્રોલ અને હાઈ સ્પીડ ડીઝલ પર ‘અનાથ અને વિધવા સેસ’ લગાવવા માટે કાનૂની માળખું તૈયાર થયું છે. અહેવાલ મુજબ સુધારેલા કાયદા હેઠળ સરકાર પ્રતિ લિટર રૂ. પાંચ સુધીનો સેસ લગાવી શકે છે. હાલમાં 60 પૈસાનો સેસ લાદવામાં આવ્યો છે, જે કાયદામાં નક્કી કરવામાં આવેલી મહત્તમ મર્યાદા કરતાં ઘણો ઓછો છે.

જ્યારે આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે આ સેસનો હેતુ આર્થિક રીતે નબળા વર્ગની વિધવાઓ અને અનાથોના કલ્યાણ માટેનાં કાર્યો માટે આવકનો એક વિશેષ અને ટકાઉ સ્ત્રોત ઊભો કરવાનો છે. રાજ્ય સરકારે અગાઉ કહ્યું હતું કે આ સેસ હિમાચલ પ્રદેશમાં વેચાણના પ્રારંભિક તબક્કે વસૂલવામાં આવશે, વેચાણના બાદના તબક્કામાં નહીં. માર્ચમાં બનાવવામાં આવેલા કાયદામાં હાલના VAT કાયદા હેઠળ પહેલેથી લાગુ કરાયેલા ટેક્સ ઉપરાંત આ સેસ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે.