જયપુરઃ CJPના સહ-સંયોજક આશુતોષ રાંકા પોતાની ટીમ સાથે ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાન હેઠળ જયપુર નજીક બાગરુમાં એક સરકારી શાળાનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન ગ્રામજનોએ તેમના પર હુમલો કર્યો હતો, જેને લઈને રાજકીય વિવાદ વધુ વકર્યો છે. આક્ષેપ હતો કે શાળા ગૌશાળામાં ચલાવવામાં આવી રહી છે. CJP મુખ્યત્વે આ જ આક્ષેપની તપાસ કરવા માટે ત્યાં પહોંચી હતી. ગયા વર્ષે શાળાની ઇમારતને અસુરક્ષિત જાહેર કરીને તેમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

બિલ્ડિંગ વિના ચાલી રહી છે રાજસ્થાનની 611 શાળાઓ
રાજ્ય સરકારના જણાવ્યાનુસાર રાજસ્થાનમાં 611 શાળાઓ પાસે પોતાનું મકાન નથી. આ ઉપરાંત રાજ્યની કાયમી ઇમારત ધરાવતી 64,484 સરકારી શાળાઓમાંથી 20,247માં શૌચાલય નથી, જ્યારે 1049 શાળાઓમાં પીવાના પાણીની સુવિધા પણ નથી.
10 કન્યા શાળાઓ પાસે પણ નથી બિલ્ડિંગ
રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય ટીકારામ જુલીએ પૂછેલા એક સવાલના જવાબમાં રાજ્ય સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ વર્ષ 2025-26 માટેના યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ (UDISE)ના આંકડા અનુસાર રાજ્યમાં 611 શાળાઓ બિલ્ડિંગ વિના ચાલી રહી છે. તેમાં 10 કન્યા શાળાઓનો પણ સમાવેશ થાય છે.

શૌચાલયોની અછતના મામલે વધુ આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓની સ્થિતિ સૌથી ખરાબ છે. તેમાં બાંસવાડા 188 શાળાઓ સાથે પ્રથમ, ડુંગરપુર 124 સાથે બીજા અને ઉદયપુર 98 સાથે ત્રીજા સ્થાને છે. ત્યાર બાદ બિકાનેર 84, ઝાલાવાડ 81 અને જેસલમેર 79નો ક્રમ આવે છે. પીવાના પાણીની સુવિધાથી વંચિત શાળાઓની સંખ્યા દૌસામાં સૌથી વધુ 96 છે. ત્યાર બાદ ઉદયપુરમાં 70, અલવરમાં 65, કરૌલીમાં 60 અને બાંસવાડામાં 58 શાળાઓનો સમાવેશ થાય છે. ગયા વર્ષે થયેલા ઓડિટનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસ નેતા જુલીએ કહ્યું હતું કે સરકાર પાસે કોઈ યોજના નથી. તેમણે જણાવ્યું હતું કે 3768 સરકારી શાળાઓ સંપૂર્ણપણે જર્જરિત છે અને ઉપયોગ માટે અસુરક્ષિત જાહેર કરવામાં આવી છે. સરકારે આ શાળાઓ બંધ કરી દીધી છે અથવા અન્ય સ્થળે ખસેડી છે, જેને કારણે પ્રવેશમાં ઘટાડો થયો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકાર ભંડોળ એકત્ર કરવામાં અસમર્થ છે અને શાળાઓની ખરાબ સ્થિતિને લઈને હાઈકોર્ટે પણ સરકારને ફટકાર લગાવી છે.




