સુરત: સિટી સાયબર ક્રાઇમ સેલે દેશવ્યાપી સાયબર છેતરપિંડી આચરતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ઉત્તર પ્રદેશના કાનપુરની એક હોટલમાંથી ૧૮ વર્ષીય રોહિત વીરેન્દ્રસિંહ શાક્યની ધરપકડ કરી છે. ધોરણ ૧૧માં અભ્યાસ છોડી દેનાર આ યુવક AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) અને ટેલિગ્રામનો ઉપયોગ કરીને નકલી બેંકિંગ અને સરકારી એપ્લિકેશન્સ બનાવતો હતો. તેના દ્વારા બનાવાયેલી માલવેર એપ્સનો ઉપયોગ કરીને સાયબર ગુનેગારોએ સમગ્ર દેશમાં લોકો સાથે ₹૬૪ કરોડથી વધુની રકમની ઠગાઈ આચરી હતી.
દર મહિનના ₹૧૫,૦૦૦માં ‘માલવેર સબ્સ્ક્રિપ્શન’
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ૧૬ વર્ષની ઉંમરે કોડિંગ શીખી ગયેલો રોહિત જામતારા, હરિયાણા અને રાજસ્થાનની સાયબર ગેંગને દર મહિને ₹૧૫,૦૦૦ના સબ્સ્ક્રિપ્શન મોડેલ પર નકલી APK ફાઇલો સપ્લાય કરતો હતો. તેણે બે પ્રકારની એપ બનાવી હતી:
-
વિક્ટિમ એપ: જેને યુઝર્સ અજાણતા પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરી લેતા હતા.
-
એડમિન એપ: જેના દ્વારા સાયબર ઠગો રીઅલ-ટાઇમમાં પીડિતના ફોનના OTP, બેંકિંગ ઓળખપત્રો અને અન્ય સંવેદનશીલ વિગતો એક્સેસ કરી લેતા હતા.
આ નકલી એપ્સ SBI, PNB, ICICI, Axis Bank જેવી સત્તાવાર બેંકો તેમજ Aadhaar, PM-Kisan અને RTO ચલણ પેમેન્ટ પોર્ટલની આબેહૂબ નકલ કરતી હતી.
સુરતના કિસ્સાથી પર્દાફાશ
મે ૨૦૨૬માં સુરતના એક રહીશે WhatsApp પર આવેલી નકલી “PNB One.apk” ફાઇલ ઇન્સ્ટોલ કરી લેતાં તેમના બેંક ખાતામાંથી ₹૫ લાખ ગાયબ થઈ ગયા હતા. પીડિતે સાયબર હેલ્પલાઇન (૧૯૩૦) પર ફરિયાદ નોંધાવતા સુરત પોલીસે તપાસ શરૂ કરી હતી.
ડિજિટલ ફોરેન્સિક તપાસના ચોંકાવનારા આંકડા:
-
રોહિતે આવી ૧૨૧ દૂષિત (Malicious) APK એપ્સ બનાવી હતી.
-
આ એપ્સ દેશભરમાં ૨૧,૬૭૨ મોબાઇલ ફોનમાં ઇન્સ્ટોલ થઈ હતી.
-
તેમાંથી ૨,૯૨૮ ફોન સંપૂર્ણપણે હેક થઈ ચૂક્યા હતા. જેના દ્વારા ૫૪,૦૯૪ વ્યવહારો કરીને ₹૬૪.૩૮ કરોડની ઠગાઈ આચરવામાં આવી હતી.
-
સૌથી વધુ છેતરપિંડી નકલી RTO ચલણ એપ્સ દ્વારા કરવામાં આવી હતી.
સુરત પોલીસે આરોપી પાસેથી ૨ મોબાઇલ ફોન અને ૧ લેપટોપ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.




