નવી દિલ્હીઃ દેશનાં ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં રેર અર્થ એલિમેન્ટ્સ (Rare Earth Elements – REE) અને અન્ય મહત્વપૂર્ણ ખનિજનો વિશાળ ભંડાર હોવાનો અંદાજ છે. આ શોધ ભારત માટે આર્થિક રીતે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. અહીં આશરે 70 મિલિયન ટનથી વધુ ખનિજ અને REE મળવાની શક્યતા છે, એમ જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI) નો અહેવાલ કહે છે.
પાંચ રાજ્યોમાં ખનિજનો ખજાનો
GSIના રિપોર્ટ અનુસાર અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરમાં આ ખનિજ મોટા પ્રમાણમાં મળવાની શક્યતા છે, તેમાં ગ્રેફાઈટ, વેનાડિયમ, લિથિયમ અને કોબાલ્ટ જેવા મેટલ્સ સામેલ છે, જે બેટરી, સેમિકન્ડક્ટર અને એડવાન્સ્ડ એલોયના ઉત્પાદન માટે ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો અને નવનીકરણ ઊર્જા ટેક્નોલોજીમાં એની માગ સતત વધી રહી છે.
અરુણાચલ પ્રદેશમાં સૌથી મોટો ગ્રેફાઈટ ભંડાર?
અરુણાચલ પ્રદેશને દેશનો સૌથી મોટો ગ્રેફાઈટ ભંડાર માનવામાં આવી રહ્યો છે, જ્યાં લગભગ 24.8 મિલિયન ટન ગ્રેફાઈટ ઉપલબ્ધ છે. આ ગ્રેફાઈટ ઉચ્ચ ગુણવત્તાવાળું છે, જે લિથિયમ-આયન બેટરી, લુબ્રિકન્ટ્સ અને એડવાન્સ્ડ કોમ્પોઝિટ્સમાં ઉપયોગી થશે. એ સાથે-સાથે અહીં વેનાડિયમ પણ મળ્યું છે, જે એરોસ્પેસ અને મોટા પાયે ઊર્જા સંગ્રહ માટે અગત્યનું છે.
આસામ, મેઘાલયમાં REE ભંડાર
આસામના કર્બી આંગલોંગ જિલ્લામાં 28.6 મિલિયન ટન REEનો ભંડાર મળ્યો છે. જ્યારે મેઘાલયના સુંગ વેલી વિસ્તારમાં પણ રેર અર્થ એલિમેન્ટ્સની ભારે સંભાવનાઓ છે.
નાગાલેન્ડ, મણિપુરમાં નિકલ અને કોબાલ્ટ
નાગાલેન્ડ અને મણિપુરમાં નિકલ અને કોબાલ્ટ જેવા મેટલ્સ મળી આવ્યા છે. નાગાલેન્ડના ફેક જિલ્લામાં નિકલ, કોબાલ્ટ અને ક્રોમિયમનો મોટો ભંડાર મળ્યો છે, જે ભારતની બેટરી સપ્લાય ચેઇનને મજબૂત કરી શકે છે.
સૌથી સમૃદ્ધ રાજ્ય બનશે મેઘાલય
અરુણાચલ પ્રદેશના જિયોલોજી અને માઇનિંગ વિભાગના ડિરેક્ટર તાસ્સર તાલારે જણાવ્યું છે કે રાજ્યના લગભગ દરેક જિલ્લામાં ખનિજ ભંડાર છે. તેમનું માનવું છે કે જો મેઘાલયના બધા ખનિજોને બહાર કાઢવામાં આવે તો આ રાજ્ય “ભારતનું સૌથી સમૃદ્ધ રાજ્ય” બની શકે છે.
