બેન્ક, રેલવે સહિત સરકારી વિભાગો સામે ભ્રષ્ટાચારની 70,584 ફરિયાદો

નવી દિલ્હીઃ સરકારી વિભાગો અને સંસ્થાઓ સામે વર્ષ 2025માં ભ્રષ્ટાચારની 70,000થી વધુ ફરિયાદો મળી હતી. તેમાં સૌથી વધુ ફરિયાદો બેન્ક અને રેલવે સાથે સંબંધિત હતી. કેન્દ્રીય સતર્કતા પંચ એટલે કે CVCના વાર્ષિક અહેવાલમાં આ માહિતી સામે આવી છે. અહેવાલ મુજબ મુખ્ય સતર્કતા અધિકારીઓને કુલ 70,584 ફરિયાદો મળી હતી. તેમાંથી 31 ડિસેમ્બર, 2025 સુધીમાં 64,905 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો. વર્ષના અંતે 5679 ફરિયાદો પર કાર્યવાહી ચાલી રહી હતી.

મુખ્ય સતર્કતા અધિકારીઓ પાસેથી ફરિયાદોની તપાસ ત્રણ મહિનાની અંદર પૂર્ણ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. તેમ છતાં, વર્ષ 2025ને અંતે 2002 ફરિયાદો ત્રણ મહિનાથી વધુ સમયથી પેન્ડિંગ હતી.

બેન્કો સામે કેટલી ફરિયાદો મળી?

વર્ષ 2025માં બેન્કો સાથે સંબંધિત ભ્રષ્ટાચારની સૌથી વધુ 9933 ફરિયાદો મળી હતી. તેમાંથી 9520 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે 413 ફરિયાદો વર્ષના અંત સુધી પેન્ડિંગ હતી. બેન્કો સામે પેન્ડિંગ ફરિયાદોમાં 52 ફરિયાદો એવી હતી, જેમાં ત્રણ મહિનાથી વધુ સમયથી કાર્યવાહી ચાલી રહી હતી.

રેલવે સંબંધિત કેટલી ફરિયાદો આવી?

ભ્રષ્ટાચારની ફરિયાદોને મામલે રેલવે બીજા સ્થાને રહ્યું. રેલવે સંબંધિત કુલ 9381 ફરિયાદો મળી હતી. તેમાંથી 8754 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આવાસ અને શહેરી બાબતો સંબંધિત કેટલી ફરિયાદો?

આવાસ અને શહેરી બાબતો સાથે સંબંધિત કુલ 6531 ફરિયાદો નોંધાઈ હતી. જ્યારે દિલ્હી સરકાર સિવાય વિવિધ સ્થાનિક સંસ્થાઓ સામે 4834 ફરિયાદો મળી હતી.

કોલસા અને નાણાકીય ક્ષેત્રમાં કેટલી ફરિયાદો?

CVCના અહેવાલ મુજબ કોલસા ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધિત 4118 ફરિયાદો મળી હતી. નાણાકીય ક્ષેત્ર સામે 3107 ફરિયાદો નોંધાઈ હતી. દિલ્હી સરકાર સાથે સંબંધિત 2804 અને પેટ્રોલિયમ મંત્રાલય સાથે સંબંધિત 2722 ભ્રષ્ટાચારની ફરિયાદો મળી હતી.

દિલ્હી પોલીસ સામે કેટલી ફરિયાદો આવી?

વર્ષ 2025માં દિલ્હી પોલીસ સામે ભ્રષ્ટાચારની 2633 ફરિયાદો નોંધાઈ હતી. માર્ગ પરિવહન અને રાજમાર્ગ ક્ષેત્ર સાથે સંબંધિત 2139 ફરિયાદો મળી હતી. દિલ્હી પોલીસને બાદ કરતાં ગૃહ મંત્રાલય સામે 2036 ફરિયાદો નોંધાઈ હતી.

અન્ય કયા વિભાગો સામે ફરિયાદો આવી?

વીમા કંપનીઓ સાથે સંબંધિત 1536 અને ટેલિકોમ ક્ષેત્ર સાથે સંબંધિત 1,469 ફરિયાદો નોંધાઈ હતી. સંરક્ષણ મંત્રાલય સાથે સંબંધિત ફરિયાદોની સંખ્યા 1410 રહી હતી. ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય સામે 1123 ફરિયાદો મળી હતી.