નવી દિલ્હીઃ રસોડામાં સૌથી મહત્ત્વના મસાલા તરીકે ઉપયોગમાં લેવાતી હળદરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. માગમાં વધારો અને બજારમાં ઓછા પુરવઠાને કારણે ભાવને વધુ મજબૂતી મળી રહી છે. હળદરના ભાવમાં હજુ વધુ તેજી આવવાની શક્યતાને કારણે ખેડૂતો અને સ્ટોકિસ્ટો પોતાનો માલ વેચવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ, અલ નિનોને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાવાની અને તેની પાકની ઊપજ પર સંભવિત અસર થવાની ચિંતા પણ યથાવત્ છે.
એક વર્ષમાં ભાવમાં 80 ટકાનો વધારો
છેલ્લા એક મહિનામાં હળદરના ભાવમાં 18 ટકાથી વધુનો વધારો થયો છે, જ્યારે એક વર્ષમાં ભાવ લગભગ 80 ટકા વધી ગયા છે. આ અત્યાર સુધીની વિક્રમી તેજી છે. હાજર બજારમાં પેરુન્દુરાઈ મંડી ખાતે હળદરના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 23,000ને પાર પહોંચી ગયા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં હળદરનો આ વિક્રમી ભાવ છે. ઇરોડ હળદર વેપારીઓ અને ગોડાઉન માલિકોના સંગઠનના સચિવ એમ. સત્યમૂર્તિના જણાવ્યાનુસાર મહારાષ્ટ્રના મરાઠવાડા, તેલંગાણાના નિઝામાબાદ અને તામિલનાડુના કેટલાક વિસ્તારો સહિતના મુખ્ય હળદર ઉત્પાદક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ ભાવમાં વધારો કરી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે પાણીની અછતને કારણે કેટલાક વિસ્તારોમાં હળદરના વાવેતર હેઠળનો વિસ્તાર અત્યારથી જ 20થી 30 ટકા સુધી ઘટી ગયો છે. આગામી મહિનાઓમાં ખેતીના વિસ્તારમાં વધુ ઘટાડો થવાની આશંકા છે. દુષ્કાળની અસર ગંભીર રહેવાની શક્યતા છે, જેને કારણે આવતા વર્ષે હળદરના ઉત્પાદનમાં મોટો ઘટાડો થઈ શકે છે. જોકે વર્ષ 2026માં ભારતમાં હળદરના ઉત્પાદનમાં લગભગ 15 ટકાનો વધારો થવાનો સરકારી અંદાજ છે. તેનું મુખ્ય કારણ વાવેતર હેઠળના વિસ્તારમાં લગભગ 20 ટકાનો વધારો છે, ખાસ કરીને મહારાષ્ટ્રમાં.

હળદરમાં હજુ વધુ તેજી આવવાની શક્યતા
ભાવમાં સતત થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને, જે ખેડૂતોએ પોતાની ઉપજનો સંગ્રહ કરી રાખ્યો છે તેઓ ભાવ હજુ વધવાની આશામાં અત્યારે હળદર વેચવાનું ટાળી રહ્યા છે. કોમોડિટી નિષ્ણાત અનુજ ગુપ્તાએ જણાવ્યું કે ટેકનિકલ દૃષ્ટિએ બજારમાં હજુ પણ મજબૂત તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હળદરના ઉત્પાદનમાં ઘટાડાની આશંકા, અગાઉના વર્ષનો ઓછો બાકી સ્ટોક, ખેડૂતો દ્વારા મર્યાદિત વેચાણ તેમજ સ્થાનિક અને નિકાસ બજારમાં મજબૂત માંગ જેવા પરિબળો ભાવને ટેકો આપી રહ્યા છે.






