‘દેશનાં 80 ટકા ગીતો પાકિસ્તાની છે’: જસબીર જસ્સી

નવી દિલ્હીઃ દિલજિત દોસાંજે હાલમાં આવનારી ફિલ્મ ‘સરદાજી 3’માં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર સાથે કામ કરવા અંગે ભારે ટીકાનો સામનો કરી રહ્યો છે. ત્યાં સુધી કે સિંગર મિકા સિંહ અને બી પ્રાકે પણ દિલજીતને ઘણી ખરીખોટી સંભળાવી હતી, પરંતુ હવે પંજાબી ગાયક જસબીર જસ્સી દિલજિતના સમર્થનમાં આગળ આવ્યા છે અને તેમણે જનતાના ડબલ સ્ટાન્ડર્ડની ટીકા કરી છે.

જસબીર જસ્સીએ કહ્યું હતું કે  હું જોઈ રહ્યો છું કે દિલજિત દોસાંજેની ફિલ્મને સોશિયલ મિડિયા પર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે તેમાં એક પાકિસ્તાની કલાકાર પણ છે. હું લોકોની ભાવનાઓનું સન્માન કરું છું કે આપણે આપણા દેશને પ્રેમ કરવો જોઈએ અને દેશની સાથે ઊભા રહેવું જોઈએ. પણ આ ડબલ સ્ટાન્ડર્ડ શા માટે?

જો તમે નથી ઈચ્છતા કે કોઈ પાકિસ્તાની કલાકાર ભારતીય ફિલ્મોમાં ગાય, અભિનય કરે કે કામ કરે, તો તમે તેમના  પર પ્રતિબંધ ઇચ્છો છો. પણ અમારી ઈન્ડસ્ટ્રીના 80 ટકા ગીતો ચોરેલા છે – ધૂન હોય કે શબ્દો કે આખા ગીત. અમારી ફિલ્મોમાં ઘણાં ગીતો એવાં છે જે પાકિસ્તાની કલાકારોએ ગાયાં છે… તો આ ડબલ સ્ટાન્ડર્ડ શા માટે?”

જસ્સીએ આગળ કહ્યું હતું કે અથવા તો યુટ્યુબ, સ્પોટિફાય અને બીજાં તમામ ડિજિટલ પ્લેટફોર્મ પરથી બધાં ગીતો હટાવી દો. પણ એવું નથી કે તમે ફક્ત એક કલાકાર સામે વિરોધ શરૂ કરી દો. જો તમે પાકિસ્તાની કલાકારોને બેન કરવા માગો છો, તો તેમને સંપૂર્ણ રીતે બેન કરો. દુનિયામાં જે પણ કન્ટેન્ટ ઉપલબ્ધ છે, તે બધું હટાવી દો.”