9/11ના ગુનેગારો એબટાબાદમાં હતા: UNSCમાં ભારતની પાકિસ્તાનને ફટકાર

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતે પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર અત્યાર સુધીનો સૌથી આકરો પ્રહાર કર્યો છે. ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનના એ દાવાને ખોટો ઠેરવ્યો છે, જેમાં તે પોતાને આતંકવાદથી પીડિત દેશ ગણાવતું રહ્યું છે. ન્યુ યોર્કમાં અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે બોલાવવામાં આવેલી સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ હરીશ પર્વતનેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે 9/11ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અને અલ-કાયદાના મોટા આતંકવાદીઓ કોઈ જંગલ, ગુફા કે દુર્ગમ પહાડોમાં છુપાયા નહોતા, પરંતુ પાકિસ્તાનનાં સુરક્ષિત શહેરોમાં છાવણીઓ અને સુરક્ષા દળોની દેખરેખ વચ્ચે આરામથી રહેતા હતા.

રહેણાક વિસ્તારોમાં છુપાયા હતા 9/11ના ગુનેગારો

સુરક્ષા પરિષદને સંબોધિત કરતાં ભારતીય રાજદૂતે કહ્યું હતું કે 9/11 પછી દુનિયાએ આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક અભિયાનને સમર્થન આપ્યું હતું, પરંતુ એ ભૂલવું ન જોઈએ કે અલ-કાયદાએ અફઘાનિસ્તાનની બહાર પણ પોતાનું મજબૂત નેટવર્ક ઊભું કર્યું હતું. ભારતીય પ્રતિનિધિએ પાકિસ્તાનમાં પકડાયેલા અને માર્યા ગયેલા અલ-કાયદાના ટોચના કમાન્ડરોની સંપૂર્ણ યાદી UNSC સમક્ષ રજૂ કરી.

ઓસામા બિન લાદેન

9/11ના હુમલાનો મુખ્ય કાવતરાખોર અને નાણાં પૂરાં પાડનાર ઓસામા બિન લાદેનને પાકિસ્તાનના એબટાબાદમાં સુરક્ષિત અને સૈન્ય સુરક્ષા ધરાવતા વિસ્તારમાં ‘ઓપરેશન નેપ્ચ્યુન સ્પિયર’ હેઠળ ઠાર મારવામાં આવ્યો હતો.

ખાલિદ શેખ મોહમ્મદ

9/11 હુમલાનો મુખ્ય આર્કિટેક્ટ (મુખ્ય વ્યૂહરચનાકાર) ખાલિદ શેખ મોહમ્મદની રાવલપિંડીના એક સામાન્ય રહેણાક મકાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

ભારતે સુરક્ષા પરિષદમાં ચેતવણી આપતાં કહ્યું હતું કે જે ‘અનુકૂળ વાતાવરણ’ અને ‘સુરક્ષિત આશ્રયસ્થાન’એ 9/11ના ગુનેગારોને સંરક્ષણ આપ્યું હતું, એ જ તંત્ર આજે પણ ફૂલીફાલી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે આ જ તંત્ર આજે અલ-કાયદાના સહયોગી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવાં આતંકવાદી જૂથોને સ્થાન, સમર્થન અને છૂટ આપી રહ્યું છે. આ આતંકવાદી સંગઠનો સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોથી બચવા માટે સતત પોતાનાં નામ અને ઓળખ બદલતા રહે છે, જ્યારે તેમનું નેતૃત્વ અને આતંકવાદી તાલીમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે પણ સુરક્ષિત છે.