રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત 250 લોકોની અટકાયત

રાજધાની દિલ્હીમાં ચૂંટણી પ્રણાલીમાં કથિત અનિયમિતતાઓ અને મતદાર યાદીના વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) ના મુદ્દે વિપક્ષી ‘INDIA’ ગઠબંધનનો વિરોધ પ્રદર્શન મંગળવારે અત્યંત ઉગ્ર બની ગયો હતો. લગભગ 9 કલાક સુધી ચાલેલા ભારે હંગામા અને હાઇ-વોલ્ટેજ ડ્રામા બાદ દિલ્હી પોલીસે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત 250 થી વધુ લોકોની અટકાયત કરી છે. પોલીસ વર્તુળોના જણાવ્યા અનુસાર અટકાયત કરાયેલા લોકોમાં લગભગ 50 જેટલા સંસદસભ્યોનો પણ સમાવેશ થાય છે.

વૃક્ષ નીચે ધરણા પર બેઠા હતા રાહુલ-પ્રિયંકા

આ અગાઉ વિપક્ષી સાંસદોએ સંસદ માર્ગથી ચૂંટણી પંચના મુખ્યાલય તરફ માર્ચ યોજી હતી, પરંતુ પોલીસે તેમને રસ્તામાં જ અટકાવી દીધા હતા. આથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિતના નેતાઓ નજીકમાં આવેલા આકાશવાણી ભવનના પરિસરમાં પ્રવેશી ગયા હતા અને એક વૃક્ષ નીચે ધરણા પર બેસી ગયા હતા. વિપક્ષી પક્ષોની મુખ્ય માંગ છે કે મુખ્ય ચૂંટણી આયુક્તને પદ પરથી હટાવવામાં આવે અને મતદાર યાદીના પુનરીક્ષણ (SIR) ને રદ કરવામાં આવે.

નેતાઓને બળજબરીથી હટાવાયા

મંગળવાર બપોરથી જ ચાલી રહેલા આ ધરણા પ્રદર્શનને મોડી રાત્રે પોલીસે આકાશવાણી પરિસર ખાલી કરાવીને સમાપ્ત કરાવ્યો હતો. પોલીસે કેસી વેણુગોપાલ, પવન ખેડા, કે સુરેશ, અમરિંદર સિંહ રાજા વડિંગ અને ઈમરાન પ્રતાપગઢી સહિતના વરિષ્ઠ કોંગ્રેસી સાંસદો અને નેતાઓને રાહુલ ગાંધી સાથે બળજબરીથી ખસેડીને બસોમાં બેસાડ્યા હતા.

હવે આગળ શું?

દિલ્હી પોલીસ તમામ અટકાયત કરાયેલા નેતાઓ અને કાર્યકર્તાઓને કિંગ્સવે કેમ્પ સ્થિત ન્યૂ પોલીસ લાઈન્સ ખાતે લઈ ગઈ છે. આકાશવાણી ભવન પરિસર સંપૂર્ણપણે ખાલી કરાવ્યા બાદ હવે વિપક્ષી ગઠબંધન અને લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી આ મુદ્દે આગળ કયું કદમ ઉઠાવે છે તેના પર સૌની નજર ટકેલી છે.