વિશ્વનાં 100 સૌથી ગરમ શહેરોમાંથી 92 ભારતનાં

12

નવી દિલ્હીઃ  હવામાન વિભાગ (IMD) એ પણ ચેતવણી આપી છે કે આ વર્ષે મેદાની વિસ્તારો સાથે પહાડી વિસ્તારોમાં પણ સામાન્ય કરતાં વધુ ગરમી પડશે. હવામાન વિભાગના માસિક રિપોર્ટ મુજબ જળવાયુ સંકટને કારણે દેશમાં હવે દરેક ઋતુ પ્રભાવિત થઈ રહી છે. એપ્રિલ, 2026ના આંકડા અનુસાર ભારતમાં ભારે ગરમી પડવાની છે. આંકડાઓ મુજબ  વિશ્વનાં 100 સૌથી ગરમ શહેરોમાંથી 92 ભારતનાં છે. AQI.in અનુસાર ટોપ 20 સૌથી ગરમ સ્થળોમાંથી 19 ભારતનાં છે, જ્યાં એપ્રિલમાં જ તાપમાન 45°Cથી ઉપર પહોંચી રહ્યું છે.

આવતા વર્ષે વધુ વધશે ગરમી

અહેવાલઅનુસાર ભારતનો 55 ટકા વિસ્તાર હવે હાઈ હીટ રિસ્ક ઝોનમાં આવી ગયો છે. ભારત સિવાય વિશ્વનાં સૌથી ગરમ દેશોમાં ઘણી વાર માલી, બુર્કિના ફાસો, સેનેગલ, કુવૈત અને ઇરાક જેવા દેશોનો સમાવેશ થાય છે, પરંતુ હાલ ભારત સૌથી વધુ અસરગ્રસ્ત છે. વિશ્વ સ્તરે જોવામાં આવે તો છેલ્લા અંદાજે દોઢ દાયકાથી વૈશ્વિક સરેરાશ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું છે. વર્ષ 2026માં સામાન્ય કરતાં 1.44 ડિગ્રી વધુ તાપમાન વધ્યું છે. આગામી વર્ષ એટલે કે 2027માં ગરમી પ્રચંડ સ્વરૂપ ધારણ કરી શકે છે અને જૂના બધા રેકોર્ડ તોડી શકે છે.

 વધતી ગરમીનું કારણ શું?

દેશમાં વધતી ગરમી એટલે કે હીટવેવ પાછળ હીટ ડોમ, નબળો પશ્ચિમ વિક્ષોભ અને જળવાયુ પરિવર્તન મુખ્ય કારણો છે. હીટ ડોમ ગરમ હવામાં જમીન નજીક કેદ કરી રહ્યો છે. વાયુમંડળમાં ઊંચા દબાણને કારણે એક “અદ્રશ્ય ઢાંકણ” બની ગયું છે, જે ગરમ હવાને ઉપર જવા દેતું નથી અને જમીન નજીક જ અટકાવી રાખે છે, જેને કારણે તાપમાનમાં ભારે વધારો થઈ રહ્યો છે. પૃથ્વીના વધતા તાપમાનને કારણે હીટવેવની તીવ્રતા ઘણી વધી ગઈ છે.

જળવાયુ પરિવર્તન સૌથી મોટું કારણ

શહેરોમાં કોંક્રીટની ઇમારતો અને રસ્તાઓ દિવસભર ગરમી શોષી લે છે અને રાત્રે છોડે છે, જેને કારણે રાતો પણ ગરમ થઈ રહી છે. વૃક્ષોની અછત અને ઘટતા ભૂગર્ભ જળ સ્તરને કારણે ભેજ ઘટી ગયો છે, જેને કારણે સૂકી ગરમીનો પ્રભાવ વધ્યો છે. એ સાથે જ અલ નીનોનો પ્રભાવ અને શહેરોમાં કોંક્રીટના વધતા ઉપયોગથી (અર્બન હીટ આઇલેન્ડ અસર) તાપમાન વધુ વધી રહ્યું છે. વિશ્વ હવામાન સંગઠન (WMO) એ પણ ચેતવણી આપી છે કે અલ નીનો અને લા નીના હવે જલવાયુ સંકટ સાથે મળીને હવામાન પેટર્નમાં ફેરફાર લાવી રહ્યા છે.