બેંક લોકરમાંથી ગાયબ થયાં સોનાનાં 96 પેકેટઃ કરોડોની ગેરરીતિનો આરોપ

લખનૌઃ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં આવેલી બેંક ઓફ ઇન્ડિયાની એક શાખામાંથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં ગ્રાહકો દ્વારા ગીરવે મૂકવામાં આવેલું સોનું બેંકના લોકરમાંથી ગાયબ થઈ ગયું છે. પોલીસ અધિકારીઓના જણાવ્યાનુસાર અરાંવ થાણા વિસ્તારની ભરૌલ શાખાના લોકરમાં રાખવામાં આવેલા ગોલ્ડ લોનનાં કુલ 96 પેકેટ ગુમ થયાં છે. આ મામલે બેંક ઓફ ઇન્ડિયાના આગ્રા પ્રાદેશિક કચેરીના મુખ્ય પ્રબંધક આદિત્ય પ્રતાપ સિંહે બુધવારે રાત્રે અરાંવ પોલીસ સ્ટેશનમાં તત્કાલીન શાખા મેનેજર સહિત ત્રણ કર્મચારીઓ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.

પોલીસ અધિક્ષક આદિત્ય લાગેહે જણાવ્યું હતું કે ફરિયાદ મુજબ શાખાના કર્મચારી અને લોકરની મુખ્ય ચાવીના ધારક દિલીપ કુમાર, જે ઇટાવા જિલ્લાના બાસગાંવ ગામના રહેવાસી છે, તેઓ 27 મે પછીથી કોઈ જાણ કર્યા વગર ગેરહાજર છે. તેમની ગેરહાજરીને કારણે લોકર સંબંધિત કામગીરી પ્રભાવિત થઈ હતી.

બેંક અધિકારીઓનો સંપર્ક થઈ શક્યો નહીં

પોલીસના જણાવ્યાનુસાર જ્યારે બેંક અધિકારીઓનો દિલીપકુમાર સાથે સંપર્ક થઈ શક્યો નહીં ત્યારે શંકા જતાં આ બાબતની જાણ આગ્રા સ્થિત પ્રાદેશિક કચેરીને કરવામાં આવી. ત્યાર બાદ 15 જૂને ઘિરોર શાખાના સિનિયર સુરક્ષા મેનેજર અંકિત અને વરિષ્ઠ સુરક્ષા પ્રબંધક સુશીલ કુમારને ભરૌલ શાખામાં મોકલવામાં આવ્યા હતા.

વિડિયોગ્રાફીની હાજરીમાં ખોલવામાં આવ્યાં લોકર

બીજી ચાવીની વ્યવસ્થા કરીને અને વિડિયોગ્રાફી વચ્ચે બેંકના પેનલ વકીલ શિવકુમાર શર્માની હાજરીમાં લોકર ખોલવામાં આવ્યાં. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગોલ્ડ લોનનાં 96 પેકેટ લોકરમાંથી ગાયબ હતા. પોલીસનું કહેવું છે કે FIRમાં સોનાનું વજન અથવા તેની કિંમતનો ઉલ્લેખ નથી, પરંતુ તેની કિંમત કરોડો રૂપિયામાં હોવાનો અંદાજ છે.

આ લોકો સામે FIR

આ મામલે ભૂતપૂર્વ શાખા પ્રબંધક સંદીપ યાદવ, કર્મચારી અધિકારી દિલીપ કુમાર તથા ક્રેડિટ અધિકારી/કર્મચારી અધિકારી નરેશ કુમાર (હાથરસ જિલ્લાના રહેવાસી) સામે FIR નોંધવામાં આવી છે.