શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ સામે કેસ નોંધાયો

નવી દિલ્હી: વકીલ કીર્તિ સિંહે પોતાની હ્યુન્ડાઇ કારમાં ખામીની સમસ્યા અંગે કંપની અને ડીલર વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. કીર્તિ સિંહે વર્ષ 2022માં આ કાર 23.97 લાખ રૂપિયામાં ખરીદી હતી અને 51,000 રૂપિયા એડવાન્સ આપ્યા હતા. કારમાં ટેક્નિકલ ખામી આવ્યા બાદ તેમણે ડીલરને સંપર્ક કર્યો, પરંતુ સમસ્યાનું નિરાકરણ ન આવ્યું. જેને કારણે તેમણે કંપનીના માલિક તેમ જ કારનો પ્રચાર કરનાર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ સહિત અન્ય લોકો વિરુદ્ધ કોર્ટમાં ઇસ્તગાસા દ્વારા મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.

તેમણે FIR નોંધાવતાં જણાવ્યું હતું કે મેં વર્ષ 2022માં હ્યુન્ડાઇ કંપનીની અલ્કાઝાર કાર ખરીદી હતી. આ કાર મેં માલવા ઓટો સેલ્સ પ્રાઇવેટ લિમિટેડ, કુન્ડલી સોનીપતમાંથી ખરીદી હતી. કાર ખરીદતાં પહેલાં માલવા ઓટો સેલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ મને કારનું ક્વોટેશન બનાવીને મોકલ્યું હતું. કંપનીનો એક પ્રતિનિધિ મારા ઘરે આવ્યો. કારના ભાવ અંગે ચર્ચા થયા બાદ સોદો નક્કી થયો. મેં 51,000 રૂપિયા એડવાન્સ આપી દીધા હતા.

કીર્તિ સિંહે HDB ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ, કુમ્હેર ગેટ, ભરતપુરમાંથી 10,03,699 રૂપિયાની લોન લીધી હતી. બાકીની રકમ કીર્તિ સિંહે રોકડામાં ચૂકવી. 14 જૂન 2022S કંપની દ્વારા પ્રોફોર્મા ઇન્વોઇસ જારી કરવામાં આવ્યો હતો. કીર્તિ સિંહે માલવા ઓટો પ્રાઇવેટ લિમિટેડમાંથી 23,97,353 રૂપિયામાં કાર ખરીદી લીધી. કાર ખરીદતાં સમયે એજન્સીએ કહ્યું હતું કે તમે કાર ચલાવો, તમને કોઈ સમસ્યા નહીં આવે. જો સમસ્યા થાય તો અમે જવાબદાર રહીશું.

થોડો સમય કાર ચલાવ્યા બાદ ટેક્નિકલ ખામીઓ આવવા લાગી. જ્યારે આ સમસ્યા અંગે એજન્સીને જણાવવામાં આવ્યું ત્યારે એજન્સીના લોકોએ કહ્યું કે આ હ્યુન્ડાઇ કંપનીની મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે, જે ક્યારેય સુધારી શકાય તેમ નથી.