પટનાઃ બિહારમાં સતત થઈ રહેલા ભારે વરસાદ વચ્ચે શનિવારે સવારે પટનાના ગાંધી ઘાટ પર ગંગા નદીનું જળસ્તર 10 સેન્ટિમીટર વધી ગયું હતું અને નદી ‘સર્વોચ્ચ પૂર સ્તર’થી એક સેન્ટિમીટર ઉપર વહી રહી હતી. જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો ખતરો વધી ગયો છે. વધતા જળ સ્તરને ધ્યાનમાં રાખીને લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે. ગંગા પહેલેથી જ નેપાળમાંથી આવેલા પાણીના કારણે ઉફાન પર હતી અને હવે તેનું જળસ્તર વધુ ને વધુ વધી રહ્યું છે.

ગંગાના જળસ્તરમાં રેકોર્ડ વધારો
જળ સંસાધન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના બુલેટિન અનુસાર પટનાના ગાંધી ઘાટ પર ગંગાનું જળ સ્તર છેલ્લા ચાર કલાકમાં 10 સેન્ટિમીટર વધીને શનિવારે સવારે 10 વાગ્યે 50.53 સેન્ટિમીટર પર પહોંચી ગયું હતું, જે સર્વોચ્ચ પૂર સ્તર કરતાં એક સેન્ટિમીટર વધુ છે. બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે ગાંધી ઘાટ પર ગંગાનું જળ સ્તર રવિવારે સવારે 8 વાગ્યા સુધીમાં વધુ વધીને 50.62 સેન્ટિમીટર સુધી પહોંચી શકે છે. લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. પટનાના ગાંધી ઘાટ પર અત્યાર સુધીમાં ગંગાનું સૌથી વધુ જળસ્તર 50.52 સેન્ટિમીટર 21 ઓગસ્ટ, 2016એ નોંધાયું હતું. આજે ગંગાએ એ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. બપોરે 12 વાગ્યા સુધીમાં ગંગાનું જળસ્તર 50.56 સેન્ટિમીટર સુધી પહોંચી ગયું હતું, જે પટનામાં અત્યાર સુધીનું સૌથી ઊંચું જળસ્તર છે.

અનેક નદીઓ જોખમના નિશાનથી ઉપર
રાજ્યમાં ભારે વરસાદ અને પાડોશી દેશ નેપાળમાં થયેલા વરસાદને કારણે ગંગા, ગંડક, કોસી, બુઢી ગંડક, બાગમતી, પુનપુન અને ઘાઘરા નદીઓ જોખમના નિશાનથી ઉપર વહી રહી છે. જેને કારણે બિહારના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શુક્રવારે પટના, વૈશાલી, મુઝફ્ફરપુર, ભાગલપુર, ભોજપુર, ખગડિયા, પૂર્ણિયા, મધેપુરા, સહરસા અને કટિહારના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી.




