નવી દિલ્હીઃ કોક્રોચ જનતા પાર્ટી (CJP)નું પ્રદર્શન યથાવત્ ચાલુ છે. આ દરમિયાન CJPના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી. CJP તરફથી તેના પ્રવક્તા સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ જે.પી. નડ્ડાને મળીને પોતાની માગણીઓની યાદી સોંપી હતી. CJP દ્વારા મુખ્યત્વે ત્રણ માગણીઓ રજૂ કરવામાં આવી છે.
CJP દ્વારા શી માગ કરવામાં આવી?
- સોનમ વાંગચુકને મુક્ત કરવામાં આવે અને તેમની યાત્રાઓ પર કોઈ પ્રતિબંધ ન મૂકવામાં આવે.
- ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે અથવા તેમને પદ પરથી હટાવવામાં આવે.
- નીટ (NEET) પેપર લીકને કારણે આત્મહત્યા કરનાર ઉમેદવારોના પરિવારોને એક કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે.
જે.પી. નડ્ડાએ શું કહ્યું?
CJPના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત બાદ જે.પી. નડ્ડાએ નિવેદન આપ્યું. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે આજે સવારે પ્રથમ વખત પ્રદર્શનકારીઓ તરફથી સરકાર સાથે ચર્ચા કરવાનો પ્રસ્તાવ આવ્યો હતો અને સવારે 11:50 વાગ્યાથી અમારી ચર્ચા ચાલુ છે. સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મુલાકાત થઈ હતી. તેમના પ્રતિનિધિમંડળ સાથે પહેલાં મૌખિક રીતે વિગતવાર ચર્ચા કરવામાં આવી અને ત્યાર બાદ લગભગ સાંજે ચાર વાગ્યે તેમણે મને લેખિત રજૂઆત સોંપી. મેં તમામ પ્રદર્શનકારીઓને વિનંતી કરી છે કે તેઓ પોતાનાં ધરણાં ખતમ કરે અને સામાન્ય પરિસ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં પ્રશાસનને સહયોગ આપે.
Delhi: Cockroach Janata Party (CJP) National Spokespersons Ashutosh Ranka and Saurav Das met Union Minister J. P. Nadda and handed over a letter of demands. pic.twitter.com/aIHnWbd8Ac
— IANS (@ians_india) July 20, 2026
દિલ્હી પોલીસે અભિજિત દીપકે અંગે શું કહ્યું?
દિલ્હી પોલીસે સૌરભ દાસ દ્વારા કરવામાં આવેલા તે દાવાઓનું ખંડન કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે અભિજિત દીપકેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે વિવિધ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર ભ્રામક સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે, જેમાં એવો દાવો કરવામાં આવે છે કે અભિજિત દીપકેને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા છે. પોલીસે સ્પષ્ટતા કરી કે આ આરોપો સંપૂર્ણપણે ખોટા છે અને અભિજિત દીપકે હાલમાં પણ મંચ પર હાજર છે.




