તિરુપતિઃ તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ ‘તિરુપતિ લાડુ’માં ઉપયોગ થતું ઘી ભેળસેળીયું હોવાની CBI તપાસ ચાલી રહી છે. હવે તપાસ ટીમે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. CBIએ જણાવ્યું છે કે ઉત્તરાખંડની એક ડેરીએ તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ (TTD)ને 68 લાખ કિલોગ્રામ નકલી ઘી સપ્લાય કર્યું હતું, જ્યારે આ ડેરીએ ક્યારેય એક ટીપું દૂધ કે માખણ ખરીદ્યું જ નહોતું. નેલ્લોર કોર્ટમાં જમા કરાયેલા રિમાન્ડ રિપોર્ટ અનુસાર 2019થી 2024 વચ્ચે, ‘ભોલે બાબા ઓર્ગેનિક ડેરી’એ લગભગ રૂ. 250 કરોડનું નકલી ઘી પૂરું પાડ્યું હતું.
નકલી રેકોર્ડ અને કેમિકલનો ઉપયોગ
CBI SITએ આ ચોંકાવનારો ખુલાસો ઘીમાં મિલાવટ અંગેની તપાસ દરમિયાન કર્યો હતો. આ તપાસમાં આ નિષ્કર્ષ ત્યારે આવ્યો જ્યારે ધરપકડ થયેલા સપ્લાયર અજય કુમાર સુગંધની પૂછપરછ થઈ, જે ડેરીને મોનોડિગ્લિસરાઈડ અને એસેટિક એસિડ એસ્ટર જેવા કેમિકલ પૂરું પાડતો હતો. અહેવાલ મુજબ ડેરીએ ક્યારેય એક ટીપું દૂધ કે માખણ ખરીદ્યું નહોતું, છતાં મોટા પાયે ઘી ઉત્પાદન બતાવવા માટે નકલી ખરીદી અને ચુકવણીના રેકોર્ડ બનાવ્યા હતા.
Mother of all adulteration stories!
The dairy run by promoter Pomil Jain and Vipin Jain never procured a drop of milk or butter from anywhere, and yet managed to supply 68 lakh kg of ghee worth Rs 250 crores to the Trumala Tirupati Devasthanam (TTD) which runs the famous… pic.twitter.com/JXPMZZMdJ0
— Piyush Rai (@Benarasiyaa) November 10, 2025
TTDએ 2022માં ભોલે બાબા ઓર્ગેનિક ડેરીને બ્લેકલિસ્ટ કર્યા પછી પણ તેના પ્રમોટરોએ બીજા માધ્યમ મારફતે નકલી ઘી સપ્લાય ચાલુ રાખ્યું. CBIએ જણાવ્યું હતું કે તેમણે તિરુપતિ સ્થિત વૈષ્ણવી ડેરી, ઉત્તર પ્રદેશની માલ ગંગા અને તામિલનાડુની AR ડેરી ફૂડ્સ સહિત અનેક અન્ય ડેરીઓ મારફતે સપ્લાય કર્યું હતું.
રિજેક્ટેડ ઘીને લેબલ બદલી ફરી પ્રસાદમાં મિલાવ્યું
CBI તપાસ દરમિયાન એક ખાસ ચોંકાવનારી ઘટના સામે આવી. એનિમલ ફેટ (પશુ ચરબી)થી મિલાવટ કરેલા ઘીના ચાર કન્ટેનર, જે AR ડેરીએ સપ્લાય કર્યા હતા અને TTDએ જુલાઈ 2024માં જે રિજેક્ટ કર્યા હતા, તેને બાદમાં ફરી સિસ્ટમમાં પ્રવેશ કરાવવામાં આવ્યાં હતાં. રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે રિજેક્ટ કરાયેલા ઘીનો સ્ટોક ભોલે બાબાના પ્રમોટરોએ વૈષ્ણવી ડેરી મારફતે તિરુપતિ ટ્રસ્ટને ફરી સપ્લાય કરાવ્યો હતો.
ઓગસ્ટ 2024 સુધીમાં, વૈષ્ણવી ડેરીએ ટ્રકના લેબલ બદલી, સિન્થેટિક ઘીની ગુણવત્તામાં ફેરફારો કર્યા અને તેને પોતાના સપ્લાયર કોન્ટ્રેક્ટ હેઠળ ફરી TTDને મોકલી દીધું. CBI મુજબ આ જ બેચનો ઉપયોગ બાદમાં પ્રતિષ્ઠિત તિરુપતિ લાડુ પ્રસાદ બનાવવા માટે થયો, જેને કારણે નકલી ઘી મંદિરના પવિત્ર પ્રસાદમાં વપરાયું હતું.


