અમદાવાદ: આખાય વિશ્વના જુદાજુદા દેશમાં અનેક સ્થળોએ આદિવાસી પ્રજાનો વસવાટ છે. વિશ્વમાં વસતા આદિવાસી સમુદાયની સંસ્કૃતિનું જતન થાય જાગૃતિ ફેલાય એ તમામ સ્તરે પ્રયત્નો થતા રહે છે.
દર વર્ષે 9 ઓગષ્ટના રોજ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે જુદાજુદા સ્થળો એ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
શહેરના ગુજરાત વિદ્યાપીઠ સંકુલમાં એક આદિવાસી શોધ પ્રશિક્ષણ સંસ્થાન આવેલું છે. જેમાં એક વિશિષ્ટ આદિવાસી સંગ્રહાલય છે. આદિવાસી શોધ અને પ્રશિક્ષણ કેન્દ્રની સ્થાપના ગુજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં 1962માં કરવામાં આવી હતી.
આદિવાસી શોધ પ્રશિક્ષણ સંસ્થાના ઉદ્દેશ..આદિવાસીઓના જીવનની પરિસ્થિતિઓ સમસ્યાઓનું અધ્યયન કરવું. આદિવાસી સમાજ ધરાવતા વિસ્તારોમાં કાર્યક્રમો કરવા. આદિવાસીઓની સમસ્યાઓનું દસ્તાવેજીકરણ કરી યોગ્ય ટેકનિકથી સંગ્રહ કરવો. આદિવાસીને લગતા જુદા જુદા વિભાગોને તાલીમ આપવી.
આદિવાસી શોધ પ્રશિક્ષણ સંસ્થાના મુખ્ય લક્ષમાં શોધ, તાલીમ અને આદિવાસી સંગ્રહાલયનું સંચાલન કરવાનો છે.
આદિવાસી સંગ્રહાલયના સંચાલક ડો. કનુભાઇ વસાવા ચિત્રલેખા.કોમને કહે છે. ગુજરાત વિદ્યાપીઠના આદિવાસી સંગ્રહાલયમાં ગુજરાતના આદિવાસી સમાજના લોકો અંબાજી, અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા જેવી પર્વતમાળાઓ વલસાડ, ઉમરગામ જેવા ભૌગોલિક સ્થળોએ આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે. આ આદિવાસીઓની રોજ બરોજની જીવન શૈલી સાથેનું અદભુત પ્રદર્શન લોકો સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ છે.
ગુજરાત રાજ્યમાં પચ્ચીસ જેટલા આદિવાસી સમુદાય જોવા મળે છે. જેમાં ભીલ, હળપતિ, ઢોડિયા, ગામિત,ચૌધરી, રાઠવા, ધાનકા, વારલી, પટેલિયા, કોંકણા, નાયકા, સીદી વગેરે મુખ્ય આદિવાસી સમુદાય છે.
આ સાથે સંગ્રહાલયમાં આબેહુબ રહેઠાણ જીવન શૈલી સાથે શિલ્પકલા, ચિત્રો, આજીવિકાના સાધનો, પોષાક, પ્રસાધન, વાદ્ય ઉપકરણ, રમકડાં જેવી ઉપયોગમાં આવતી વસ્તુઓનો મુકવામાં આવી છે.
આદિવાસી દિવસે આ વર્ષે સંકુલમાં ચિત્ર સ્પર્ધા, લોક વાદ્ય, લોક ગીતો વકૃત્વ સ્પર્ધા સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ આદિવાસી સંગ્રહાલયની સુંદરતા જળવાઇ રહે એ માટે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)




