રાહુલ ગાંધી અને યોગીના પ્રધાન વચ્ચે થઈ ભારે દલીલબાજી

રાયબરેલીઃ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં રાહુલ ગાંધી અને યોગી સરકારના પ્રધાન દિનેશ પ્રતાપ સિંહ વચ્ચે તીખી દલીલનો વિડિયો સામે આવ્યો છે. આ દલીલ રાહુલ ગાંધીના રાયબરેલી પ્રવાસ દરમિયાન થઈ હતી. રાહુલ 10 અને 11 સપ્ટેમ્બર બે દિવસના રાયબરેલી પ્રવાસે હતા. એ દરમિયાન તેમની યોગી સરકારમાં પ્રધાન દિનેશ પ્રતાપ સિંહ સાથે દલીલ થઈ ગઈ હતી. તેનો વિડિયો હવે સામે આવ્યો છે.

રાયબરેલીમાં જિલ્લા વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિની બેઠક ચાલી રહી હતી. રાહુલ ગાંધીની બાજુમાં જ યુપીના પ્રધાન દિનેશ પ્રતાપ સિંહ બેઠા હતા, ત્યારે બંને વચ્ચે તીખી દલીલ શરૂ થઈ ગઈ હતી. રાહુલ ગાંધી બોલ્યા કે બેઠક હું અધ્યક્ષ તરીકે ચલાવી રહ્યો છું. જો તમને કંઈ કહેવું હોય તો પહેલાં પૂછો, પછી હું તમને બોલવાની તક આપીશ. એના પર પ્રધાન દિનેશ પ્રતાપ સિંહ ભડકી ગયા અને બંને વચ્ચે ગરમાગરમ ચર્ચા થઈ હતી.


અમેઠીના સાંસદ પણ રહ્યા હાજર

આ બેઠકમાં અમેઠીના સાંસદ કે.એલ. શર્મા પણ હાજર હતા, જે રાહુલ ગાંધી સાથે દિનેશ પ્રતાપ સિંહ સામે દલીલ કરતા દેખાયા. એ દરમિયાન રાહુલ ગાંધી એક મુદ્દે સવાલ કરતા બોલ્યા કે મને પહેલાં પૂછવું જોઈએ હતું. એના પર પ્રધાન દિનેશ પ્રતાપ સિંહે વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે તમે અધ્યક્ષ જરૂર છો, પણ હું તમારી દરેક વાત માનવા માટે બંધાયેલો નથી. તમે તો પોતે સ્પીકરની વાત પણ નથી માનતા. આમ બંને નેતાઓ વચ્ચે ગરમાગરમ દલીલ શરૂ થઈ ગઈ. આ બેઠકમાં હાજર અધિકારીઓ અને અન્ય જનપ્રતિનિધિઓ પણ હેરાન રહી ગયા હતા. આ બનાવનો વિડિયો હવે સોશિયલ મિડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.