નવી દિલ્હીઃ કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ચોમાસુ સત્ર પહેલાં કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટો ફેરફાર કરે એવી શક્યતા છે. આ ફેરફારમાં નવા ચહેરાઓને તક આપવામાં આવી શકે છે, કેટલાક મંત્રીઓના વિભાગોમાં ફેરફાર થઈ શકે છે અને કેટલાક નેતાઓને સંગઠનમાં મોકલવામાં આવી શકે છે. એ સાથે જ ભાજપના અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે. આ પ્રક્રિયામાં કેટલાક કેન્દ્રીય મંત્રીઓને સંગઠનમાં જવાબદારી સોંપવામાં આવી શકે છે, જ્યારે પક્ષના કેટલાક પદાધિકારીઓને સરકારમાં સ્થાન મળી શકે છે.
સૂત્રોના જણાવ્યાનુસાર કેબિનેટ ફેરફાર અને ભાજપના સંગઠનાત્મક પુનર્ગઠનની પ્રક્રિયા સાથે-સાથે આગળ વધી શકે છે. પાર્ટી નેતૃત્વે નવી ટીમ માટેનાં નામો પર લગભગ સહમતી બનાવી લીધી છે અને સંગઠનમાં યુવા ચહેરાઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ મળવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશ અને પંજાબમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન મોદી મોટો નિર્ણય લઈ શકે છે. એવી પણ ચર્ચા છે કે આ વખતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નજીકના નેતાઓને વધુ મહત્વ મળી શકે છે.
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને લઈને પણ ચર્ચા
રાજકીય વર્તુળોમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના ભવિષ્યને લઈને પણ અટકળો ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર શિક્ષણ મંત્રાલય સાથે જોડાયેલા કેટલાક વિવાદો બાદ તેમના વિભાગમાં ફેરફાર થવાની સંભાવનાને લઈને ચર્ચા તેજ બની છે. જોકે સરકાર તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

‘વન મેન, વન પોસ્ટ’નો સિદ્ધાંત લાગુ થઈ શકે
ભાજપ પોતાના ‘વન મેન, વન પોસ્ટ’ના સિદ્ધાંતને પણ અમલમાં મૂકી શકે છે. જો આવું થાય તો જે નેતાઓ સરકાર અને સંગઠન – બંનેમાં જવાબદારી સંભાળી રહ્યા છે, તેમને બેમાંથી એક પદ છોડવું પડી શકે છે. તેને પરિણામે મંત્રીમંડળ અને સંગઠન – બંનેમાં ફેરફારો જોવા મળી શકે છે.
ચૂંટણીવાળાં રાજ્યો પર રહેશે વિશેષ ધ્યાન
સૂત્રોના જણાવ્યાનુસાર આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ જેવાં રાજ્યોને કેન્દ્રીય મંત્રીમંડળમાં વધુ પ્રતિનિધિત્વ આપવામાં આવી શકે છે. પશ્ચિમ બંગાળના કેટલાક નેતાઓને પણ કેન્દ્ર સરકારમાં સામેલ કરવાની ચર્ચા ચાલી રહી છે. સરકાર અને સંગઠનમાં નવી ઊર્જા લાવવા માટે ભાજપ નવા ચહેરાઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી શકે છે. પાર્ટીમાં લાંબા સમયથી સંગઠનાત્મક ફેરફારોની તૈયારી ચાલી રહી છે અને તેને આવનારી ચૂંટણીની વ્યૂહરચનાનો મહત્વનો ભાગ માનવામાં આવી રહ્યો છે.




