મુંબઈ: કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (KES) સંચાલિત ‘દિનકર જોષી ગુજરાતી ભાષાભવન’ દ્વારા ટી. પી. ભાટિયા કોલેજના પંચોલિયા હોલ ખાતે એક વિશેષ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમ ‘ભારતીય સંતોની સહજ પરંપરા: રંગાઈ જા ને રંગમાં’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
શનિવારની શ્રાવણી સાંજે યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રોતાઓ સાહિત્ય, સંગીત અને સંતવાણીના ભક્તિરસમાં તરબોળ થઈ ગયા હતા.
કાર્યક્રમનો પ્રારંભ KESના પ્રમુખ મહેશભાઈ શાહ જે ગુજરાતથી ખાસ આવ્યા હતા; રવિભાણ પરંપરાના સંત-કવિ દલપત પઢિયાર, સુવિખ્યાત સાહિત્યકાર દિનકર જોષી, ગાયક જોની શાહ અને કાર્યક્રમના સંચાલક દિનેશભાઈ પોપટના હસ્તે દીપ પ્રાગટ્યથી થયો હતો.
અધ્યાત્મમાર્ગના અભ્યાસુ દિનેશભાઈ પોપટે સંચાલન કરતાં જણાવ્યું હતું કે, “કવિતા એ વાણી છે અને ભજન એ સરવાણી છે. કવિ શબ્દનું સર્જન કરે છે અને સંત શબ્દની સાધના કરે છે.” KESના પ્રમુખ મહેશભાઈ શાહે સંતત્વનો મહિમા સમજાવતા કહ્યું કે, ખંતથી જીવનના અંત સુધી લોકોને ધર્મમય બનાવવાની પ્રેરણા આપે તે સંત છે.
ગુજરાતી સાહિત્ય અને સંત પરંપરાના મશાલચી દલપત પઢિયારે ‘કોને સમરીએ’, ‘મેલો દલપત ડહાપણ મેલો’ અને ‘ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું’ જેવી પોતાની સ્વરચિત રચનાઓ તથા પ્રાચીન ભજનો પ્રસ્તુત કરીને શ્રોતાઓને આત્મજ્ઞાનનો અનુભવ કરાવ્યો હતો. જ્યારે સુગમ સંગીત અને ભક્તિ સંગીત ક્ષેત્રના જાણીતા કલાકાર જોની શાહે ‘રામસભામાં અમે રમવાને ગ્યા’તા’ અને ‘હરિનો મારગ છે શૂરાનો’ જેવા પદોથી ભક્તિની હેલી સર્જી હતી. આ કાર્યક્રમે ઉપસ્થિત તમામ શ્રોતાઓના મનને અધ્યાત્મ અને આત્મસંતોષના રંગે રંગી દીધા હતા.




