વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ નિવાસ વ્હાઇટ હાઉસથી થોડા જ અંતરે બુધવારે બપોરે નેશનલ ગાર્ડના બે સભ્યો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. વોશિંગ્ટન DCમાં તહેનાત વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડના બે સભ્યોને વ્હાઇટ હાઉસની નજીક થયેલી હિંસાની ઘટનામાં ગોળી વાગી હતી. DCની મેયર મ્યુરિયલ બાઉઝરે તેને નિશાન બનાવીને કરાયેલો હુમલો ગણાવ્યો છે. આ હુમલા બાદ વ્હાઇટ હાઉસને લોકડાઉન કરવામાં આવ્યું છે.
આ હુમલા સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડામાં હતા. તેમણે આરોપીને “જાનવર” કહીને કહ્યું હતું કે તેને આ માટે બહુ ભારે કિંમત ચૂકવવી પડશે. ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું: જે જાનવરે બે નેશનલ ગાર્ડના જવાનને ગોળી મારી છે, બંને ગંભીર રીતે ઘાયલ છે અને બે અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ છે. આરોપી પણ ગંભીર રીતે ઘાયલ છે, છતાં તેને તેની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. ઈશ્વર અમારા મહાન નેશનલ ગાર્ડ, અમારી આખી સેના અને કાયદા અમલવાળી એજન્સીઓને આશીર્વાદ આપે. તેઓ ખરેખર મહાન લોકો છે. હું, સંયુક્ત રાજ્યોના રાષ્ટ્રપતિ તરીકે અને રાષ્ટ્રપતિપદ સાથે જોડાયેલા બધા લોકો, તમારી સાથે છીએ.

FBIના ડિરેક્ટર કાશ પટેલે જણાવ્યું હતું કે બંને ગાર્ડ સભ્યો ગંભીર સ્થિતિમાં છે અને FBI તપાસનું નેતૃત્વ કરી રહી છે. આરોપીની ઓળખ 29 વર્ષીય રહમાનુલ્લાહ લક્નવાલ તરીકે થઈ છે, જે અફઘાન નાગરિક છે. તે 2021માં અમેરિકામાં દાખલ થયો હતો.




