ઇન્ડિયા ગઠબંધનથી AAPએ છેડો ફાડ્યો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024માં ભાજપને બહુમતથી દૂર રાખવા માટે બનેલા વિપક્ષી ‘ઇન્ડિયા ગઠબંધન’માં હવે ભંગાણ થયું છે. આમ આદમી પાર્ટી (AAP) એ પહેલા તો લોકસભા ચૂંટણી પછી આ ગઠબંધનથી દૂરી બનાવી હતી અને હવે સંસદના મોન્સૂન સત્ર પહેલા આ ગઠબંધનથી પોતાના તમામ સંબંધ સંપૂર્ણ રીતે તોડી નાખ્યા છે. AAPના આ રાજકીય પગલાથી સંસદમાં વિપક્ષનો અવાજ નબળો પડવાની આશંકા છે.

સંસદનું મોન્સૂન સત્ર 21 જુલાઈ 2025થી 21 ઓગસ્ટ સુધી ચાલશે. સંસદમાં મોદી સરકારને ઘેરવા માટે ઇન્ડિયા ગઠબંધને શુક્રવાર સાંજે ઓનલાઈન બેઠક બોલાવી છે. શનિવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને પણ બેઠક યોજાવાની છે, જેમાં AAP ભાગ નહીં લે.

AAPના સાંસદ સંજય સિંહે સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી હવે ઇન્ડિયા ગઠબંધનની બેઠકોમાં ભાગ નહીં લે. તેમણે કહ્યું  હતું કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે ગઠબંધનની બહાર છીએ. તેમનું કહેવું છે કે AAP સંસદીય મુદ્દાઓ પર TMC અને DMK જેવા વિપક્ષી પક્ષો સાથે સહકાર રાખશે અને તેમને સમર્થન કરશે, કેમ કે તે પક્ષો AAPને સમર્થન આપે છે.

સંજય સિંહે જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી માટે જ હતું. ત્યારબાદ AAPએ હરિયાણા અને દિલ્હીની વિધાનસભા ચૂંટણીઓ તેમજ પંજાબ અને ગુજરાતના ઉપચૂંટણોમાં એકલે હાથે જ ભાગ લીધો હતો. આથી AAPએ પહેલેથી જ રાજકીય રીતે ગઠબંધનથી દૂરી બનાવી હતી અને હવે સંસદમાં વિપક્ષી એકતાથી પણ અલગ થઈ ગઈ છે.