કોલકાતાઃ ભાજપ નેતા સુવેંદુ અધિકારીના PA ચંદ્રનાથ રથની બુધવારે રાત્રે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ મામલે ભાજપ નેતા અર્જુન સિંહે મુખ્ય મંત્રી મમતા બેનરજીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનરજી પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે આ હત્યા પાછળ અભિષેક બેનર્જીનો હાથ છે. તેમના જણાવ્યા મુજબ આ એક સુનિયોજિત હત્યા હતી, જેને કોઈ પ્રશિક્ષિત શૂટરે અંજામ આપી છે. ભાજપ નેતાએ કહ્યું હતું કે અભિષેક પાસે એવા કેટલાક પોલીસ કર્મચારીઓ છે, જે આવી કામગીરી કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે સરકાર બન્યા બાદ અભિષેકની ધરપકડ થશે. અર્જુન સિંહે એવો પણ આક્ષેપ કર્યો કે હાલ પોલીસ તંત્રમાં હજુ પણ TMC સરકારના લોકો છે અને આ સ્થિતિ રાતોરાત બદલાઈ શકશે નહીં. તેથી નવી સરકારનું તાત્કાલિક ગઠન જરૂરી છે, જેથી હિંસા પર રોક લગાવી શકાય.
બુધવારે રાત્રે મધ્યમગ્રામમાં ગોળી મારી હત્યા
ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની બુધવારે રાત્રે મધ્યમગ્રામમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ મોટરસાયકલ પર આવેલા હુમલાખોરોએ રાત્રે લગભગ 10.30 વાગ્યે મધ્યમગ્રામના ડોલતલા વિસ્તારમાં રથની કાર રોકી અને નજીકથી ગોળીબાર કરીને ફરાર થઈ ગયા હતા.
ભાજપના વરિષ્ઠ નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે આ ઘટના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના સંપૂર્ણ પતનનું ઉદાહરણ છે. તેમના મતે વિધાનસભા ચૂંટણીમાં સત્તાથી બહાર થયેલી સરકારના સમયમાં આવી ઘટનાઓ વધી રહી છે.

સુવેંદુએ તેને ‘સુનિયોજિત હત્યા’ ગણાવી
ભાજપના એક નેતાએ જણાવ્યું કે વિરોધ પક્ષના નેતા સાથે નજીકથી જોડાયેલા વ્યક્તિને નિશાન બનાવીને હત્યા કરવામાં આવી છે. આથી સ્પષ્ટ થાય છે કે પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી ખરાબ થઈ ગઈ છે. સુવેંદુ અધિકારીએ આ ઘટનાને “સુનિયોજિત હત્યા” ગણાવતાં આરોપ મૂક્યો હતો કે હુમલાખોરોએ ઉત્તર 24 પરગણા જિલ્લામાં હુમલો કરતાં પહેલાં રેકી કરી હતી. ભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યે આ હત્યાને રાજ્યમાં “રાજકારણના સંપૂર્ણ અપરાધીકરણ”નું ઉદાહરણ ગણાવ્યું હતું.




