‘અભિવ્યક્તિ’ની ૮મી આવૃત્તિનો પ્રારંભ : સૂર, નાટ્ય-નૃત્ય, આર્ટ ઇન્સ્ટોલેશનનો અનોખો સંગમ

અમદાવાદ: ટૉરેંટ ગ્રુપના યુએનએમ ફાઉન્ડેશન-સમર્થિત ‘અભિવ્યક્તિ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’ની ૮મી આવૃત્તિનો ભવ્ય અને ભાવસભર પ્રારંભ થયો છે. શ્રેયસ ફાઉન્ડેશન એમ્ફીથિયેટર ખાતે જાણીતા ગુજરાતી ગાયિકા ઈશાની દવેએ પોતાની મનમોહક સંગીતમય પ્રસ્તુતિ ‘સૂર-એ-રાષ્ટ્ર’ દ્વારા સાંસ્કૃતિક ગૌરવ, વિરાસત અને માનવીય એકતાનો અનોખો માહોલ સર્જ્યો હતો. અગાઉ રણજીત બારોટના ‘જાઝ ફ્યુઝન’ સંગીત કાર્યક્રમ સાથે થયેલી શરૂઆતને ૨૫૦૦થી વધુ કલાપ્રેમીઓએ માણી હતી. પ્રથમ દિવસની વિવિધ પ્રસ્તુતિઓમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને દિલ્હીના કલાકારોએ લોકકળા, સંગીત, નૃત્ય, નાટ્યકલા અને સાહિત્યની વૈવિધ્યસભર પરંપરા રજૂ કરી હતી. સંગીતની સુરાવલીઓ અને ફ્યુઝનનો જાદુ

સંગીત ક્ષેત્રે ઈશાની દવેની પ્રસ્તુતિ ઉપરાંત દિલ્હીના સંગીત ગ્રુપ ‘તાલ ફ્રાય’ દ્વારા ‘લયા લિમિટલેસ’ શીર્ષક હેઠળ વાદ્યસંગીતની રોમાંચક પ્રસ્તુતિ થઈ હતી, જેમાં ભારતીય લય-તાલ અને શાસ્ત્રીય સંગીતનો આધુનિક અંદાજ જોવા મળ્યો હતો. આ ઉપરાંત મુંબઈના ‘ચક્રવર્તી સમ્રાટ’એ ‘ધ બેંગાલ ફ્યુઝન પ્રોજેક્ટ’ રજૂ કરીને બંગાળના લોકસંગીત, બાઉલ, રવીન્દ્રસંગીત અને નઝરૂલ ગીતિને આધુનિક પોપ તથા રોક સંગીત સાથે સુંદર રીતે સાંકળ્યા હતા.

નાટ્યકલામાં લોકવ્યંગ્ય અને સ્થળાંતરની સંવેદના

સમકાલીન ભારતીય રંગભૂમિની વિવિધતા રજૂ કરતી ચાર વિશેષ નાટ્યપ્રસ્તુતિઓએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા:

  • ખમ્મા: અમિત ઠક્કરની આ પ્રસ્તુતિમાં ઉત્તર ગુજરાતની ધાર્મિક વિધિઓ, જીવંત રેગડી લોકસંગીત અને ગામના ભુવાના મૃત્યુ બાદ નવા રખેવાળની શોધની આસપાસ ગૂંથાયેલું લોકવ્યંગ્ય રજૂ થયું હતું.

  • કૃષ્ણન્સ ડેરી: કેરળના અટ્ટપાડીના કલાકારો પૂજા મોહનરાજ અને શંકર વેંકટેશ્વરને ઘરથી દૂર રહીને જીવન ઘડવાના સંઘર્ષ, સ્થળાંતર અને પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવાની સંવેદનાને હાસ્ય અને ભાવનાત્મક ઊંડાણ સાથે રજૂ કરી હતી.

  • ધ લાસ્ટ રન: ક્રિશ લખિયાનીની આ પ્રસ્તુતિમાં રાજસ્થાનથી દિલ્હી સુધીની સચી નામની યુવતીની સફર દ્વારા અંગત મહત્ત્વાકાંક્ષાઓ અને પારિવારિક અપેક્ષાઓ વચ્ચેના તણાવને સિનેમા અને નાટકના સમન્વયથી દર્શાવાયો હતો.

  • રાજલીલા: અમદાવાદના નિહાંશુ રાવલે ‘તામઝામ પ્રોડક્શન હાઉસ’ હેઠળ કાલ્પનિક રાજાના પાત્ર દ્વારા સમકાલીન સામાજિક વાસ્તવિકતાઓ પર તીખો રાજકીય હાસ્ય-વ્યંગ્ય રજૂ કર્યો હતો.

નૃત્યકલામાં સંઘર્ષ, પ્રકૃતિ અને આત્મચિંતન

નૃત્ય વિભાગમાં ‘ટીમ અરુણિમા’ના નવ કથક નૃત્યકારોએ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર વિશ્વની પ્રથમ મહિલા દિવ્યાંગ પર્વતારોહક પદ્મશ્રી અરુણિમા સિન્હાની પ્રેરણાદાયી જીવનયાત્રા પર આધારિત ‘અરુણિમા – ધ સમિટ વિધિન’ રજૂ કર્યું હતું. તિરુવનંતપુરમના અવિનીશ અને આરિશે કથકલી, ભરતનાટ્યમ અને જીવંત સંગીતના સમન્વયથી ‘સર્પ સાગા – ડાન્સ ઓફ ધ સર્પન્ટ્સ’ દ્વારા આયુર્વેદ અને પ્રકૃતિના સંતુલનની વાત રજૂ કરી હતી. જ્યારે પુણેનાં કથક નૃત્યાંગના મૈત્રેયી નિર્ગુને ‘એલિયન્સ પી.ઓ.વી.’ દ્વારા બહારની વ્યક્તિના દૃષ્ટિકોણથી આજના સમાજની સમસ્યાઓ અને જીવનના મૂળ અર્થ પર આત્મમંથન કરાવ્યું હતું.

સાહિત્ય અને ૯૫ વિઝ્યુઅલ આર્ટ ઇન્સ્ટોલેશન

સાહિત્યપ્રેમીઓ માટે મુંબઈનાં કવયિત્રી હર્ષિતા ચતુર્વેદી ‘હુનર’એ ‘હિટલર પાપા’ શીર્ષક હેઠળ પિતા-પુત્રીના બદલાતા સંબંધો પર કવિતા અને સંસ્મરણો રજૂ કર્યા હતા. ત્યારબાદ યશલીન જે. ‘કહાનીવાલી’એ ‘એક કહાની સુનોગે?’ હેઠળ સુરતની એક યુવતીની પિતા સાથેની અંતિમ યાત્રાની ભાવસ્પર્શી વાર્તા ‘ધ રોડ ટ્રિપ’ રજૂ કરી હતી. આ ઉપરાંત અટીરા, ગુજરાત યુનિવર્સિટી અને શ્રેયસ ફાઉન્ડેશન એમ ત્રણ સ્થળોએ પૃથ્વી આધારિત, કાપડ, રેસા અને સ્થાનિક સામગ્રીમાંથી બનેલા કુલ ૯૫ ઇમર્સિવ વિઝ્યુઅલ આર્ટ ઇન્સ્ટોલેશન પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જે સામાજિક, શહેરી અને પર્યાવરણીય પ્રશ્નો પર વિચારવા પ્રેરે છે.

‘અભિવ્યક્તિ’માં પ્રવેશ નિઃશુલ્ક અને વહેલા તે પહેલાના ધોરણે રાખવામાં આવ્યો છે. કાર્યક્રમનું સંપૂર્ણ સમયપત્રક અને વિગતો સત્તાવાર વેબસાઇટ www.abhivyaktiart.org તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે.