અમદાવાદ: ટોરેન્ટ ગ્રુપના UNM ફાઉન્ડેશનની પહેલ – અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટની 7મી આવૃત્તિનો પહેલા દિવસે નૃત્ય, સંગીત અને રંગભૂમિના કેટલાંક અવિસ્મરણીય પર્ફોમન્સ જોવા મળ્યા. શુક્રવારના રોજ પ્રેક્ષકોને કલાત્મક અભિવ્યક્તિઓના ઊંડાણમાં ઉતરવાની તક મળી. જેમ કે શહેરના રસ્તાઓ પરની લયના ધબકારાથી લઈને આંતરિક પરિવર્તનનું કાવ્યાત્મક ઓડિસી ગીત તો વળી ભારતના ધ્વનિ વારસાને એકસાથે ગૂંથી રાખતી રજૂઆતોનો સમાવેશ થાય છે. આ રજૂઆતો અમદાવાદના ત્રણ સ્થળો – ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, અટીરા અને શ્રેયસ ફાઉન્ડેશન કેમ્પસ – ખાતે એક સાથે શરૂ થયા હતા.
ગુજરાત યુનિવર્સિટીના એમ્ફીથિયેટર ખાતે, અમદાવાદની રીતુ ચાંગલાનીએ એક સમકાલીન નૃત્ય નાટક “ધ બ્લુ અવર” રજૂ કર્યું હતું. જે સ્વીકૃતિ અને સંતુલનના વિચારની આસપાસ ફરે છે. રીતુ અને તેની ટીમ કોરિયોગ્રાફીનો ઉપયોગ કરીને વિરોધાભાસી બાબતો એકબીજાના પૂરક હોય ત્યારે સુંદરતા અને તેની ગેરહાજરીમાં ખાલીપણું દર્શાવે છે.
આ સાથે જ મુંબઈ સ્થિત પ્રાર્થના કુડતરકર અને ટીમ દ્વારા “ધ વાઇન ઇન્ટરવેન્શન” નામની પ્રસ્તુતિ રજૂ કરીને એક અતિવાસ્તવ-દાર્શનિક શો દ્વારા પ્રેક્ષકોને શ્રદ્ધા પર દાર્શનિક અનુભવ આપ્યો. કુડતરકર દ્વારા લેખન અને દિગ્દર્શનની આ પ્રથમ રચના એવી ધ વાઇન ઇન્ટરવેન્શન નવીનતા, અપરંપરાગતતા અને અન્વેષણ પર આધારિત છે. વાર્તાના કેન્દ્રમાં એક છોકરી છે, જે પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોઈ રહી છે, પરંતુ પોતાની વાસ્તવિક્તા પ્રગટ થઈ જવાના કારણે ટ્રેનમાં ચઢી શકતી નથી. દર્શકોએ તેમના શાનદાર અભિનયની પ્રશંસા કરી હતી.
મુંબઈ સ્થિત કલાકાર મોહન સાગરે પોતાના પ્રદર્શન “ધ હાર્મોનિયમ બેન્ડ” દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસ્તુતિમાં તેમણે તે વાદ્ય યંત્રને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેના થકી તેની રચનાત્મક યાત્રાને પોતે આકાર આપ્યો છે. આ અનોખી સંગીત પ્રસ્તુતિ થકી મંચ પર ઊંડાણ અને ગતિશીલતા રજૂ કરી. એક ફિલ્મ કવર પ્રોજેક્ટના રૂપમાં શરૂ થયેલ આ નાટક દસ મૌલિક રચનાઓવાળા એક ફ્યુઝન ગ્રુપના રૂપમાં આકાર પામે છે. પરંપરાને નવીનતા સાથે મિશ્રિત કરીને ધ હાર્મોનિયમ બેન્ડે એક એવો સંગીતમય અનુભવ પ્રદાન કર્યો, જે સ્થિતિસ્થાપકતા, લય અને ધ્વનિની શાશ્વત શક્તિનો અનુભવ કરાવે છે.
રંગમંચના કલાકાર ગિરીશ સોલંકીએ વિચાર-પ્રેરક અભિનય “હરગૌરી શાસ્ત્રી” પ્રસ્તુત કર્યુ હતુ. જે લૈંગિક ઓળખ અને પરિવર્તનશીલતાનું એક અન્વેષણ છે. બે દાયકાથી વધુ સમયથી રંગમંચમાં સક્રિય ગિરીશ સોલંકી ગુજરાતી નાટકમાં એક જાણીતો ચહેરો છે. આ ખાસ વ્યક્તિગત નાટકમાં સ્ત્રીની ભૂમિકાઓ ભજવતા એક બ્રાહ્મણ અભિનેતાની વાર્તા છે, જે સામાજિક રચનાઓને પડકારે છે અને પૌરાણિક સદ્ભાવનું આહવાન કરે છે – જો શિવ અને શક્તિ એક સાથે અસ્તિત્વમાં હોઈ શકે, તો આજે સમાજ પરિવર્તનશીલતાનો વિરોધ કેમ કરે છે? આ રજુઆત દ્વારા કલાકાર દર્શકોને યાદ અપાવે છે કે સ્વીકૃતિ સહાનુભૂતિથી શરૂ થાય છે.
અમદાવાદ સ્થિત કોરિયોગ્રાફર રાયન ભાંભાણી જાઝના તત્વોથી યુક્ત પોતાની સમકાલીન નૃત્ય પ્રસ્તુતિ “ધ મોલ” થકી મંચ ઉપર ઉર્જા અને મૌલિક્તાનો સંચાર કરે છે. આ સંગીતમય નાટ્ય પ્રસ્તુતિએ ગતિ, સંગીત, હાસ્યને એક મનોરમ્ય કથાના સ્વરૂપમાં ઢાળી દીધો. અમદાવાદમાં દુર્લભ આ પ્રસ્તુતિ કલા પ્રત્યે એક સરળ, પરંતુ અનોખા દ્રષ્ટિકોણ સાથે દર્શકોને આનંદદાયક અનુભવ પ્રદાન કરે છે.
આલાપ હર્ષદભાઈ ત્રિપાઠીએ એક વ્યંગાત્મક હાસ્ય પ્રતુતિ “લાઈફ ઓફ લાલુ” રજૂ કરી, જેમાં માનવ જીવનને કૂતરાના રૂપકના માધ્યમથી દર્શાવવામાં આવે છે. આલાપ વર્ષોના અનુભવ અને સમુદાય સાથે સીધા સંપર્કનો ઉપયોગ કરીને આ ચંચળ પણ માર્મિક વ્યંગની રચના કરે છે. આ પ્રસ્તુતિ લાલુ – એક એવો શ્વાન જે સત્તાની તલાશમાં છે – તેની વાર્તા છે. જેની ગામથી શહેરની યાત્રા માનવ જેવી ભાગદોડને પ્રતિબિંબીત કરે છે. જ્યારે પ્રેમ તેમના જીવનમાં પ્રવેશ કરે છે, ત્યારે તેમનો દ્રષ્ટિકોણ બદલાય છે, જે તેમને રોકાઈને જીવનનો આનંદ માણવાનું શીખવે છે.
અમદાવાદ સ્થિત ગાયક અને સંગીતકાર મુનાફ લુહારે પોતાની પ્રસ્તુતિ “ધ બુલેશાહ પ્રોજેક્ટ” થકી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા, આ વાર્તા સુફી સંત બુલ્લે શાહની આધ્યાત્મિક યાત્રાને દર્શાવે છે. એક જીવંત કથાવાચકની સાથે અને પંજાબી તેમજ સિંધી લોક્ગીતો ઉપરાંત કાર્નિવલના સમન્વય સાથેની આ પ્રસ્તુતિ દર્શકોને સત્ય, માર્ગદર્શન અને ભક્તિ અંગે વિચારવા પ્રેરીત કરે છે, સાથે જ સમકાલીન મંચ માટે સુફી જ્ઞાનની પુનઃકલ્પના કરે છે.
મુંબઈ સ્થિત કલાકાર મૌસુમી દત્તાએ “આત્મન” નામનો શાસ્ત્રીય-ફ્યુઝન અનુભવ રજૂ હતો, જેમાં ભારતીય શાસ્ત્રીય રાગોના ભાવનાત્મક ઊંડાણને જાઝ અને વૈશ્વિક લયની ભાવના સાથે મિશ્રિત કરવામાં આવી છે. આ પ્રસ્તુતિમાં આત્મ-શંકા, ચિંતા અને સ્વીકૃતિ પર અંતરંગ ચિંતન પ્રસ્તુત કરવામાં આવ્યું છે. સાથે જ “આ પૂર્ણતા અંગે નથી – આ હાજરી અંગે છે” તે વિચાર પર ભાર મૂકવામાં આવ્યો. આ પ્રસ્તુતિને દર્શકો ધ્યાનથી સાંભળતા, ભાવાત્મક સંગીતમાં મંત્રમુગ્ધ બની ગયા હતા.
પોતાની સમકાલીન નૃત્ય પ્રસ્તુતિ “ગૂંજ” થકી મુંબઈ સ્થિત કોરિયોગ્રાફર કુણાલ સંગતાનીએ સ્મૃતિ અને સમયના પડઘાનું અન્વેષણ કર્યું. આંતરરાષ્ટ્રીય તાલીમ અને કનિંગહામ ટેકનીકથી પ્રેરિત થઈને આ પ્રસ્તુતિને ભૂતકાળ અને વર્તમાન વચ્ચેની ભાવનાત્મક અસ્પષ્ટતાને ઉજાગર કરવા માટે કાચા, ગ્રાઉન્ડેડ હલનચલનને સર્પાકાર સ્વરૂપો સાથે જોડવામાં આવ્યું છે. ગુંજ આ તણાવને મૂર્ત બનાવે છે, તેના ભાવનાત્મક લેન્ડસ્કેપમાંથી પસાર થઈને સમયની પ્રકૃતિ પર પ્રશ્ન ઉઠાવે છે.
પ્રખ્યાત ગઝલકાર શોભિત દેસાઈએ તેમની રચના “તરન્નુમથી નાદબ્રહ્મસુધિ” દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસ્તુતિ ગુજરાતી ગઝલના 175 વર્ષના ઉત્ક્રાંતિની સંગીતમય સફરને દર્શાવે છે. ૪,૬૦૦ થી વધુ પ્રસ્તુતિઓ અને પાંચ દાયકાના સફરના તેમના અનુભવ પરથી શોભિતે નવ તરન્નુમ ને ક્યુરેટ કર્યા, જેમાંથી પ્રત્યેક નું અલગ સંગીત અર્થઘટન માટે ગોઠવાયું – ઈરાની અને અરબીથી બીથોવન-પ્રેરિત અને લોકગીત સુધી. આ એક પ્રસ્તુતિથી આગળ વધીને ગઝલની કાવ્યાત્મક પરંપરા પ્રતિ એક ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ બને છે અને યુવા પેઢીને તેની સુંદરતા, ઊંડાણ અને કાલાતીત સુસંગતતાનો પરિચય કરાવે છે.
પર્ક્યુશનિસ્ટ અને સંગીતકાર દીપેશ વર્મા પોતાની પ્રસ્તુતિ “લોકયાત્રા” સાથે એક જીવંત સંગીતમય સફરનું નેતૃત્વ કરે છે. આ પ્રસ્તુતિ ઉત્તરથી દક્ષિણ સુધી ભારતની લોક પરંપરાઓને ઉજાગર કરે છે. ઉસ્તાદ તૌફિક કુરેશી પાસેથી તાલીમ પામેલા અને શાસ્ત્રીય અને સમકાલીન શૈલીઓના સમન્વય માટે જાણીતા, દીપેશ દરેક ક્ષેત્રની ભાવનાને ઉજાગર કરવા માટે વાદ્યવાદકો અને ગાયકોનો સમૃદ્ધ સમૂહ ક્યુરેટ કરે છે. ભારતના લોક વારસાને જીવંત, અધિકૃત અને ગુંજતો રાખવા માટે તે દર્શકોને આ લોકયાત્રામાં એક શ્રદ્ધાંજલિ અને પ્રતિજ્ઞા સ્વરૂપે જોડે છે.
સમકાલીન નૃત્ય- રંગમંચ પ્રસ્તુતિ “ધ બોક્સ” માં કોરિયોગ્રાફર પ્રિતેશ મહેતાએ દર્શકોને એક એવો અનુભવ પ્રદાન કર્યો, જે વાસ્તવિક્તા અને પ્રદર્શન વચ્ચેની સીમાઓને ઝાંખી પાડી દે છે. લાઇવ-ફીડ પ્રોજેક્શન અને અપરિષ્કૃત ગતિના સમન્વયના માધ્યમથી આ પ્રસ્તુતિ દર્શકોની ડિજિટલ આદતો સામે સવાલ ઉઠાવે છે. અહીં તે પ્રાસંગિક પ્રશ્ન ઉઠાવે છે કે શું આપણે ખરેખર જીવી રહ્યા છીએ? કે પછી માત્ર નિરંતર ક્યુરેશનની દુનિયામાં પ્રદર્શન કરી રહ્યા છીએ.
મંચ પ્રદર્શન
મંચ પ્રદર્શનના ટૂંકા ગાળાના ફોર્મેટ પર, સિદ્ધાર્થ ભાયાણી અને નોર્થ એક્સિસ પ્રોજેક્ટે “બીટરૂટ” રજૂ કર્યું. એક ડીજે ઢોલ પર્ક્યુસન જે કાચી, લયબદ્ધ અને વાસ્તવિક અવાજ દ્વારા શેરીઓના ધબકારાને સ્ટેજ પર જીવંત કરે છે. આ પ્રદર્શનમાં બિન-તાલીમ પામેલા શેરી સંગીતકારોની સ્વયંભૂ ઊર્જા શોનો આત્મા બની જાય છે. બીટરૂટ સંપૂર્ણતા વિશે નથી પરંતુ આનંદમય ઉત્સવો વિશે છે – શ્રોતા અને કલાકાર વચ્ચેનું અંતરને ઘટાડવુ, એ બતાવવા અંગે કે સાચું સંગીત ઘણીવાર સૌથી અણધારી જગ્યાએથી આવે છે.
નોઈડા સ્થિત ઓડિસી નૃત્યાંગના જુનાહી રત્નન એ “અંગ રાગા” નામની પ્રસ્તુતિ રજુ કરી હતી, જે એક એકલ ઓડિસી નૃત્ય-નાટિકા છે. તે પ્રકૃતિના ચક્રને માનવ ભાવનાના ચક્ર સાથે પ્રતિબિંબિત કરે છે. લાલ દેદ અને કબીરના શ્લોકોથી પ્રેરિત, આ નુત્ય બદલાતી ઋતુઓના માધ્યમથી પ્રગટ થાય છે. અરાજકતા સ્થિરતામાં બદલાઈ જાય છે અને અધુરાશ પૂર્ણતામાં બદલાઈ જાય છે. જુનાહીના દરેક હાવભાવ પ્રકૃતિના લય અને શાંત આંતરિક પરિવર્તનનો પડઘો પાડે છે, જેનાથી પ્રેક્ષકો અભિવ્યક્તિમાં મંત્રમુગ્ધ થઈ જાય છે.
રંગભૂમિ કલાકાર હેમાંક સોનીએ અભિવ્યક્તિ ખાતે પોતાના ધુંતરા કલેક્ટિવની શરૂઆત “માયે ની મેરી અખ લગ ગઈ” સાથે કરી. આ એક ટૂટીની વાર્તા છે – એક સ્વપ્ન જોનાર યુવાનની ખોવાયેલી ચંપલની શોધ તેને એક અતિવાસ્તવ ચંદ્ર યાત્રા પર લઈ જાય છે. ખાલી પ્લેટફોર્મ પર છ કલાકારો સાથે રજૂ કરાયેલ, આ નાટક ભાંગડા અને ગિદ્દા જેવા પંજાબી લોક સ્વરૂપોનો ઉપયોગ રમૂજ, કલ્પના અને આશાને વણાટવા માટે કરે છે. હેમાંકના પોતાના કલાત્મક ઉત્ક્રાંતિમાં મૂળ, આ પ્રદર્શન એ માન્યતાને ઉજવે છે કે કોઈ પણ સ્વપ્ન પહોંચવા માટે ખૂબ દૂર નથી.
વિઝ્યુઅલ આર્ટ ઇન્સ્ટોલેશન્સ
ગુજરાત યુનિવર્સિટી ખાતે સાકેત વિશ્વકર્માની કલાકૃતિ “લાઈફ પાર્ટનર – ડોમેસ્ટિક એડિશન”: મધ્યપ્રદેશના દમોહથી આવેલા સંકેત વિશ્વકર્માએ “લાઈફ પાર્ટનર – ડોમેસ્ટિક એડીશન” નામનું શિલ્પ પ્રદર્શિત કર્યું છે. પેપરમેક અને એક્રેલિક રંગોનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલ આ કલાકૃતિ “જો આપણે વસ્તુઓ સાથે લગ્ન કરીએ તો શું થશે?” આ વિચારધારા પર આધારિત છે. કલાકારનું માનવુ છે કે વસ્તુઓ હવે ફક્ત સાધનો નથી, કારણ કે લોકો તેમની સાથે ઊંડો લગાવ તૈયાર કરે છે અને સમય જતાં તેમને તેમની ઓળખનો અભિન્ન ભાગ બનતા જુએ છે. કલાકાર માનવ અને વસ્તુની પરસ્પર ક્રિયાના માધ્યમથી ભારતીય લગ્નના ખ્યાલને સમાન પેટર્ન રજૂ કરે છે.
રિદમ કુમાર બિહારના મોતીહારીના જાણીતા શિલ્પકાર છે. તેમણે પેપરમેક અને મેટલ સળિયાથી બનેલ “ધ ટ્રાવેલર” નામનું એક જીવન-કદનું ગતિશીલ શિલ્પ પ્રદર્શિત કર્યું છે. આ કૃતિ લાંબા અંતરની ટ્રેન મુસાફરી દરમિયાન એક સ્થિર ક્ષણને કેદ કરે છે, જ્યાં શિલ્પ એક એકાંત મુસાફરનું પ્રતિનિધિત્વ કરે છે, જે શારીરિક રીતે આરામ કરે છે. આ કૃતિ અનિશ્ચિતતા, અપેક્ષા, બેચેની અને સ્મૃતિ સહિત પરિવહન દરમિયાન સામાન્ય રીતે અનુભવાતી ભાવનાત્મક અને માનસિક સ્થિતિઓનું અન્વેષણ કરે છે. તે દર્શકનું ધ્યાન સતત આંતરિક મુસાફરી તરફ દોરે છે જેને ઘણીવાર ભૌતિક પરિવહન દરમિયાન અવગણવામાં આવે છે.


