વિશ્વમાંથી આશરે 8000 પ્રાણીઓની પ્રજાતિઓ લુપ્ત થવાની આશંકા

નવી દિલ્હીઃ ગ્લોબલ ચેન્જ બાયોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસ અનુસાર વર્ષ 2100 સુધીમાં 7895 કશેરુકી (વર્ટિબ્રેટ) પ્રજાતિઓ અતિશય ગરમી અને જમીનના ઉપયોગમાં ફેરફારને કારણે વૈશ્વિક સ્તરે લુપ્ત થવાના જોખમનો સામનો કરે એવી શક્યતા છે.

વાતાવરણમાં અતિશય ગરમી અને જમીનના વધુપડતા ઉપયોગમાં થતા ફેરફારોને કારણે આ સદીના અંત સુધીમાં વિશ્વભરમાં પ્રાણીઓની લગભગ 8000 પ્રજાતિઓ લુપ્ત થવાની ગંભીર ભીતિ ઊભી થઈ છે. એ વાત એક અભ્યાસમાં સામે આવી છે. બ્રિટનના ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોના નેતૃત્વમાં એક આંતરરાષ્ટ્રીય ટીમે ઉભયચર, પક્ષીઓ, સ્તનધારી અને સરીસૃપ પ્રાણીઓની લગભગ 30,000 પ્રજાતિઓનો અભ્યાસ કર્યો હતો.

દરેક પ્રજાતિ માટે યોગ્ય નિવાસસ્થાન (હેબિટેટ) સંબંધિત માહિતી ‘ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર’ (IUCN)માંથી લેવામાં આવી હતી, જ્યારે ભવિષ્યમાં જમીનના ઉપયોગ સંબંધિત નકશા ‘લેન્ડ-યુઝ હાર્મોનાઇઝેશન-2’ (LUH-2)માંથી લેવામાં આવ્યા હતા, જેનું સંચાલન અમેરિકા સ્થિત મેરિલેન્ડ યુનિવર્સિટી કરે છે.

 ક્લાયમેટ ચેન્જનો ઉલ્લેખ

ઓક્સફર્ડ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ જિયોગ્રાફી એન્ડ એન્વાયર્નમેન્ટના સંશોધક રયુટ વર્ડીએ જણાવ્યું હતું કે અમારો અભ્યાસ એકસાથે અનેક જોખમોના સંભવિત પ્રભાવ પર વિચાર કરવાની મહત્તા પર ભાર મૂકે છે, જેથી તેમની અસરોને વધુ સારી રીતે સમજાવી શકાય. આ વૈશ્વિક સ્તરે જૈવ વૈવિધ્યને થનારા મોટા નુકસાનને અટકાવવા માટે વિવિધ પ્રકારનાં પગલાં લેવાની તાત્કાલિક જરૂરિયાત દર્શાવે છે.

અભ્યાસમાં ચાર અલગ-અલગ પરિસ્થિતિઓ (સેનેરિયોઝ) પર વિચાર કરવામાં આવ્યો હતો. સૌથી ગંભીર પરિસ્થિતિમાં પ્રજાતિઓને તેઓ જે વિસ્તારમાં ફેલાયેલી છે તેના લગભગ 52 ટકા ભાગમાં ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. જ્યારે શ્રેષ્ઠ પરિસ્થિતિમાં માત્ર 10 ટકા પ્રજાતિઓ પર જ અસર થવાની શક્યતા છે.