અબુ ધાબી: યુનાઇટેડ આરબ અમીરાત (UAE)ની રાજધાનીમાં ત્રીજી ‘ઇન્ટરનેશનલ ડાયલોગ ઓફ સિવિલાઇઝેશન્સ એન્ડ ટોલરન્સ કોન્ફરન્સ’ (IDCT 2026) યોજાઈ.
જેમાં અબુ ધાબીના પ્રખ્યાત BAPS હિન્દુ મંદિરને પ્રતિષ્ઠિત ‘ટોલરન્સ એવોર્ડ ૨૦૨૬’થી સન્માનિત કરવામાં આવ્યું છે. વૈશ્વિક સહિષ્ણુતા, પારસ્પરિક આદર અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપવા બદલ મંદિરને આ પુરસ્કાર એનાયત કરાયો છે.
આ કોન્ફરન્સનું આયોજન એમિરેટ્સ સ્કોલર સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સ્ટડીઝ (ESCRS) અને અબ્રાહમિક ફેમિલી હાઉસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.
UAE દ્વારા વર્ષ ૨૦૨૬ને “યર ઓફ ધ ફેમિલી” જાહેર કરાયું છે, જે અંતર્ગત આ વર્ષની થીમ “નવા માધ્યમો અને AIનો કુટુંબ અને સમાજ પર પ્રભાવ” રાખવામાં આવી હતી.
મંદિરના વડા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ ડૉ. અબ્દુલ્લા બેલ્હૈફ અલ નુઐમી અને ડૉ. ખલીફા અલ ધાહેરીના હસ્તે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
આ પ્રસંગે તેમણે ટેક્નોલોજી અને પરિવારના સંબંધો પર એક પ્રેરણાદાયી વક્તવ્ય આપતાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ‘ઘર સભા’ ના સંદેશને યાદ કર્યો હતો.
તેમણે વૈશ્વિક નેતાઓ અને નિષ્ણાતો સમક્ષ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આપણને AI Empowered (સશક્ત) પરિવારો જોઈએ છીએ — માત્ર AI Powered (સંચાલિત) પરિવારો નહીં!”
આ એવોર્ડ કોવિડના સમયમાં અને વૈશ્વિક સંકટોમાં મંદિર દ્વારા કરવામાં આવેલાં ‘કેર ઈન ક્રાઈસીસ’ જેવાં રાહતકાર્યો અને હજારો સ્વયંસેવકોના સામૂહિક સમર્પણનું પ્રતિબિંબ છે.






