સિસ્ટમનો દુરુપયોગઃ 410 કરોડ રૂપિયાના GST કૌભાંડનો પર્દાફાશ

8

બેંગલુરુઃ શહેરમાંથી એક મોટો ટેક્સ ફ્રોડ કેસ સામે આવ્યો છે, જ્યાં કોમર્શિયલ ટેક્સ વિભાગે 410 કરોડ રૂપિયાના ફેક ઇન્વોઇસ કૌભાંડનો ખુલાસો કર્યો છે. આ મામલો GST સિસ્ટમના દુરુપયોગ સાથે જોડાયેલો હોવાનું જણાવાયું છે, જેમાં નકલી કંપનીઓ બનાવી મોટા પાયે ખોટાx બિલો જારી કરવામાં આવ્યાં હતાં.

અધિકારીઓને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ 102.5 કરોડ રૂપિયાનો નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કર્યું હતું. ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે વેપારીઓ ખરીદી પર ચૂકવેલા ટેક્સ સામે જે સમાયોજન મેળવી શકે તે રકમ, પરંતુ આ કેસમાં કોઈ વાસ્તવિક વેપાર કર્યા વગર ટેક્સનો લાભ લેવા પ્રયાસ થયો હતો.અધિકારીઓના જણાવ્યા મુજબ આરોપીઓએ નકલી સરનામાનો ઉપયોગ કર્યો હતો. એ સાથે-સાથે નકલી ભાડા કરાર અને લીઝ દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા, જેથી કાગળ પર કંપનીઓ સાચી લાગે. આ દસ્તાવેજોને આધારે GST નંબર મેળવવામાં આવ્યા હતા.

તપાસમાં એ પણ સામે આવ્યું કે અનેક શેલ ફર્મ્સ બનાવવામાં આવી હતી. તેમાં કેટલીક કંપનીઓ સોલ પ્રોપ્રાયટરશિપ તરીકે હતી, જ્યારે કેટલીક લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ (LLP) તરીકે રજિસ્ટર કરવામાં આવી હતી. આ ફર્મ્સનો હેતુ માત્ર ફેક બિલ બનાવવાનો અને ટેક્સ સિસ્ટમનો ગેરલાભ લેવાનો હતો. આ રેકેટ ચલાવવા માટે અલગ-અલગ નામોથી ઘણાં બેંક ખાતાઓ પણ ખોલવામાં આવ્યાં હતાં. ચોંકાવનારી વાત એ રહી કે કેટલાંક ખાતાંઓમાં અન્ય લોકોના મોબાઇલ નંબર અને આધાર વિગતોનો ઉપયોગ થયો હતો. તેથી તપાસ એજન્સીઓને ઓળખ છુપાવવાનો પ્રયાસ થયાની શંકા છે.

આ ફેક વ્યવસાયમાં આયર્ન સ્ક્રેપ, સિમેન્ટ, સ્ટીલ રોડ, ઝિંક શીટ્સ અને પાઇપ જેવા માલ દર્શાવવામાં આવ્યા હતા. એટલે કે કાગળ પર ભારે ટ્રેડિંગ બતાવવામાં આવ્યું, પરંતુ હકીકતમાં માલ સપ્લાય થયો કે નહીં, તે તપાસનો વિષય છે.

અધિકારીઓએ જણાવ્યું કે નોટિસ જારી થતાં જ ઘણી કંપનીઓ બંધ કરી દેવામાં આવી હતી, જેને કારણે શંકા વધુ ગાઢ બની છે કે આખું નેટવર્ક પહેલેથી જ આયોજનબદ્ધ રીતે બનાવવામાં આવ્યું હતું.

 

410 કરોડના ફેક બિલ કૌભાંડ કેવી રીતે ચલાવવામાં આવ્યું?

  • નકલી સરનામા પર કંપનીઓ રજિસ્ટર કરવામાં આવી
  • નકલી ભાડા અને લીઝ કરારો જમા કરાયા
  • GST નંબર મેળવવામાં આવ્યા
  • ફેક ઇન્વોઇસ જારી કરાયા
  • 102.5 કરોડનો ટેક્સ ક્રેડિટ ક્લેમ કરાયો
  • નોટિસ આવતાં જ કંપનીઓ બંધ કરી દેવામાં આવી