DUSU ચૂંટણીમાં ABVPનો દબદબોઃ ચારમાંથી ત્રણ પદો પર કબજો

નવી દિલ્હીઃ દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (ડીયુએસયુ) ચૂંટણી 2026નું પરિણામ જાહેર થઈ ગયું છે. શનિવારે સવારથી ચાલી રહેલી મતગણતરીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ બાજી મારી છે. ABVPએ પ્રમુખ સહિત ત્રણ મુખ્ય પદો પર જીત મેળવી છે. ABVPએ પ્રમુખ, સચિવ અને સંયુક્ત સચિવ પદ પર કબજો કર્યો છે, જ્યારે ઉપાધ્યક્ષ પદ પર અપક્ષ ઉમેદવાર દીપાંશુ શૌકીન વિજયી બન્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI એક પણ પદ જીતવામાં સફળ રહી નથી.

ABVPના પ્રમુખપદે ચૂંટાયેલા યશ ડાબસે કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ NSUIને સ્વીકાર્યું નથી અને આ વિદ્યાર્થીઓની જીત છે. ABVPએ DUSU ચૂંટણીમાં 2025-26 જેવું પ્રદર્શન ફરી એક વાર કરતાં ત્રણ મુખ્ય પદો પર જીત મેળવી છે. પ્રમુખ પદ પર ABVPના યશ ડાબસે NSUIના વિજય મીણાને હરાવીને જીત મેળવી છે. યશ ડાબસને કુલ 24,576 મત મળ્યા હતા, જ્યારે વિજય મીણાને 22,523 મત મળ્યા હતા.

ઉપાધ્યક્ષ પદે અપક્ષ દીપાંશુ શૌકીનની જીત

ઉપાધ્યક્ષ પદ પર અપક્ષ ઉમેદવાર દીપાંશુ શૌકીને મોટી જીત મેળવી છે. NSUIમાંથી બળવો કરીને ચૂંટણી મેદાનમાં ઊતરેલા દીપાંશુ શૌકીનને કુલ 30,615 મત મળ્યા હતા. તેમણે ABVPના ઈશુ મૌર્ય અને NSUIના વીર ચતરથને પાછળ છોડીને ઉપાધ્યક્ષ પદ જીત્યું છે.

રિયા છાવડી બન્યાં DUSUના સચિવ

સચિવ પદ પર ABVPનાં રિયા છાવડીએ જીત મેળવી છે. તેમને કુલ 21,650 મત મળ્યા હતા, જ્યારે NSUIના નમ્રતા ચૌધરીને 14,869 મત મળ્યા હતા. આ જીત સાથે ABVPએ ત્રણ મુખ્ય પદો પર પોતાની હાજરી નોંધાવી છે.

સંયુક્ત સચિવ પદે લક્ષ્ય રાજ સિંહ વિજેતા

સંયુક્ત સચિવ પદ પર પણ ABVPના લક્ષ્ય રાજ સિંહે જીત મેળવી છે. તેમને કુલ 16,641 મત મળ્યા હતા. આ પદ પર અપક્ષ ઉમેદવાર વિશેષ યાદવ બીજા સ્થાને રહ્યા હતા.

ભાજપ અધ્યક્ષ નીતિન નવીને આપી શુભેચ્છા

ભાજપાધ્યક્ષ નીતિન નવીને દિલ્હીની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને DUSU ચૂંટણીમાં ABVPની જીત બદલ શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું કે આ જીત રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી પ્રેરિત સકારાત્મક અને રચનાત્મક વિદ્યાર્થી રાજકારણમાં યુવાનોના વિશ્વાસ તેમ જ ‘વિકસિત ભારત’ના સપનાને સાકાર કરવાના તેમના સંકલ્પને દર્શાવે છે.