ગઠબંધનની સરકાર બનશે તો EC, CEC સામે કાર્યવાહીઃ રાહુલ ગાંધી

પટનાઃ ચૂંટણી પંચ પર લાગેલા ‘મત ચોરી’ના આક્ષેપો વચ્ચે રાહુલ ગાંધીએ પંચ પર હુમલો ચાલુ રાખતાં કહ્યું હતું કે જ્યારે ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે ત્યારે મુખ્ય ચૂંટણી પંચ અને બંને ચૂંટણી કમિશનરો સામે ‘મત ચોરી’ માટે કાર્યવાહી કરવામાં આવશે.

બિહારમાં મતાધિકાર યાત્રા દરમિયાન સભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ તેમને ‘મત ચોરી’ પકડાઈ ગયા પછી પણ એફિડેવિટ દાખલ કરવા કહી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે હું ચૂંટણી પંચને કહેવા માગું છું કે આખો દેશ તમારું એફિડેવિટ માગશે, અમને થોડો સમય આપો. અમે દરેક વિધાનસભા અને લોકસભા બેઠક પર તમારી ચોરી પકડીશું અને જનતા સામે મૂકીશું, એમ તેમણે કહ્યું હતું.

યાત્રાના બીજા દિવસે રાહુલે કહ્યું હતું કે જેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ પેકેજની વાત કરે છે, તેમ ચૂંટણી પંચ બિહાર માટે SIR નામે એક વિશેષ પેકેજ લઈને આવ્યું છે, જેનો અર્થ છે મત ચોરીનું એક નવું રૂપ. વિપક્ષના નેતા તેજસ્વી યાદવ પણ આ યાત્રામાં રાહુલ ગાંધી સાથે જોડાયા છે.

તેમણે કહ્યું હતું કે બિહારની જનતા ચૂંટણી પંચ અને ભાજપના નેતાઓને એક સ્વરમાં કહેશે કે રાજ્યમાં મત ચોરી થઈ શકે નહીં. હું જે કહું છું એ કરું છું. તમે જોયું હશે કે હું મંચ પરથી ક્યારેય ખોટું નથી બોલતો. આ ત્રણેય ચૂંટણી કમિશનરોને હું કહેવા માગું છું કે અત્યારે મોદીજીની સરકાર છે, પરંતુ એક દિવસ એવો આવશે જ્યારે બિહાર અને દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની સરકાર હશે, ત્યારે અમે તમે ત્રણેય સામે કાર્યવાહી કરીશું. તમે આખા દેશમાંથી મત ચોર્યા છે.