કાનપુર: બાળકોમાં જન્મજાત જોવા મળતી વિકલાંગતા ‘ક્લબફૂટ’ (પગ અંદરની તરફ વળેલા હોવા)ની સમસ્યાને દૂર કરવા માટે અદાણી ફાઉન્ડેશન અને અનુષ્કા ફાઉન્ડેશને હાથ મિલાવ્યા. વિશ્વ ક્લબફૂટ દિવસ નિમિત્તે જાહેર કરાયેલી આ ત્રણ વર્ષની પહેલ અંતર્ગત દેશના પાંચ રાજ્યો (ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ)ના ૬૧ જિલ્લાઓમાં ૧૦,૦૦૦થી વધુ પ્રભાવિત બાળકોને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવામાં આવશે.
આ પ્રોજેક્ટનું ઔપચારિક મંગલાચરણ ઉત્તરપ્રદેશના કાનપુર સ્થિત માન્યાવર કાંશીરામ સંયુક્ત ચિકિત્સાાલય ખાતેથી કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM)ના સહયોગથી ચાલનારા આ કાર્યક્રમ અંતર્ગત ૬૭ ક્લબફૂટ ક્લિનિક્સને મજબૂત કરવામાં આવશે અને ૩૦,૦૦૦થી વધુ ફ્રન્ટલાઇન આરોગ્ય કર્મચારીઓને વહેલા નિદાન માટે તાલીમ અપાશે.
નેતૃત્વના મુખ્ય વિચારો
ડૉ. પ્રીતિ અદાણી (ચેરપર્સન, અદાણી ફાઉન્ડેશન): “કોઈપણ બાળક ક્લબફૂટ જેવી સારવારપાત્ર બીમારીના કારણે જીવનમાં પાછળ ન રહેવું જોઈએ. વહેલા નિદાનથી આ બીમારી સંપૂર્ણ મટી શકે છે અને અમારો ધ્યેય બાળકોને આત્મનિર્ભર બનાવવાનો છે.”
દીપક પ્રેમનારાયણ (સ્થાપક, અનુષ્કા ફાઉન્ડેશન): “અદાણી ફાઉન્ડેશન સાથેની આ ભાગીદારીથી પાંચ રાજ્યોમાં સારવારનો વ્યાપ વધશે અને અમે સુનિશ્ચિત કરીશું કે ક્લબફૂટ બાળકોની ગતિશીલતામાં આજીવન અવરોધ ન બને.”
નોંધનીય છે કે ભારતમાં દર વર્ષે આશરે ૩૩,૦૦૦ બાળકો ક્લબફૂટ સાથે જન્મે છે, જેમાંથી સૌથી વધુ ૬,૦૦૦ બાળકો ઉત્તરપ્રદેશમાં હોય છે. આ પહેલ વૈશ્વિક સ્તરે માન્ય ‘પોન્સેટી પદ્ધતિ’ દ્વારા બાળકોના પગને ઓપરેશન વિના સાજા કરવાનું કામ કરશે, જેથી ગરીબ અને વંચિત પરિવારોના બાળકોને નવું જીવન મળી શકશે.






