અમદાવાદઃ દેશની સૌથી મોટી નવીનીકરણીય ઊર્જા કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ ૨૦ ગિગાવોટની કાર્યરત નવીનીકરણીય ઊર્જા ક્ષમતાનો આંક વટાવી ગ્રીનફિલ્ડ વિકાસ મારફત આ સીમાચિહ્ન હાંસલ કરનારી ભારતની પ્રથમ નવીનીકરણીય ઊર્જા કંપની બની છે. 52 અબજ યુનિટથી વધુ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરતી અદાણી ગ્રીનનું યોગદાન દેશના વીજ વપરાશના લગભગ ત્રણ ટકા છે. જે ન્યુ યોર્કને એક વર્ષ માટે તથા મુંબઈ અને નવી દિલ્હીને સંયુક્ત રીતે વીજળી આપવા લગભગ બરાબર છે. તામિલનાડુના કામુથી ખાતે અદાણી ગ્રીન એનર્જીના વર્ષ ૨૦૧૬માં પ્રથમ નવીનીકરણીય ઊર્જા પ્રકલ્પ કાર્યરત કર્યાના એક દાયકામાં જ હાંસલ કરવામાં આવેલું આ સીમાચિહ્ન દેશના સૌથી વિરાટ અને ઝડપી ગ્રીનફિલ્ડ નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં ઉમેરો દર્શાવે છે. ગયા નાણાં વર્ષ ૨૬માં કંપનીએ ૫,૦૫૧ મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા ઉમેરી હતી, જે ચીન બહારની કોઈ પણ કંપની દ્વારા ઉમેરવામાં આવેલી વાર્ષિક નવીનીકરણીય ક્ષમતા કરતાં આ વધારો સૌથી વધુ છે.
કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૬માં ૨૦ ગિગાવોટને વટાવીને શિસ્તબદ્ધ અમલીકરણ અને દીર્ઘદ્રષ્ટિ કેટલી ઊંચાઇ પ્રાપ્ત કરી શકે છે તે દર્શાવે છે. ગત ૨૬ જૂને લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે લંડન ક્લાઇમેટ એક્શન વીકના ઉદ્ઘાટન પ્રસંગે અદાણીના સંબોધન બાદ કંપનીએ આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. અહીં તેમણે ઊર્જા સુરક્ષાને મજબૂત કરી પોષણક્ષમતા સુધારવા અને ચોવીસ કલાક વિશ્વસનીય, સ્વચ્છ ઊર્જા પહોંચાડવા માટે મોટા પાયે સંગ્રહ સાથે સંકલિત નવીનીકરણીય ઊર્જા વડે વીજળીકરણને વેગ આપવાની હિમાયત કરી હતી. તેમણે વિગતો આપતાં કહ્યું હતું કે કંપનીની કાર્યરત ક્ષમતામાં લગભગ ૧૪.૨ ગીગાવોટ સૌર, ૨.૭ ગિગાવોટ પવન અને ૩.૩ ગિગાવોટ પવન-સૌર હાઇબ્રિડ સામેલ છે. તેમણે ઉમેર્યું હતું કે કંપનીએ ૩.૫૫ GWh ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ કાર્યરત કરવા સાથે આ ચીનની બહાર અને વૈશ્વિક સ્તરે ઝડપથી અમલમાં મુકાયેલી સિસ્ટમમાંની એક છે.
મિશ્રિત વીજમાં નવીનીકરણીય ઊર્જામાં ભારતનો સિંહફાળો હોવાથી વિશ્વસનીય, ડિસ્પેચેબલ સ્વચ્છ ઊર્જા પહોંચાડવા માટે બેટરી સ્ટોરેજની ભૂમિકા કેન્દ્રિય બની છે તેની મહત્તા સમજાવી તેમણે ઉમેર્યું હતું કે ચાલુ નાણાં વર્ષમાં કલાકના ૧૦ ગિગાવોટ બેટરી સ્ટોરેજ ઉમેરવાની અને આગામી પાંચ વર્ષમાં આ ક્ષમતાને ૫૦ ગિગાવોટ કરવાની કં૫નીની યોજના ૨૦૩૦ સુધીમાં તેના ૫૦ ગિગાવોટના નવીનીકરણીય ઊર્જા લક્ષ્યને ટેકો આપે છે.
Adani Green Energy Limited (AGEL), India’s largest renewable energy company, has surpassed 20 gigawatts (GW) of operational renewable energy capacity, becoming the first renewable energy company in India to achieve the milestone predominantly through greenfield development. The… pic.twitter.com/YHlNFlRZKF
— IANS (@ians_india) July 1, 2026
રાજ્યના કચ્છના ખાવડામાં ૫૩૮ ચોરસ કિ.મી.ની ઉજ્જડ જમીનમાં આકાર લઇ રહેલા અને વિકાસના આગામી તબક્કાનું કેન્દ્રબિંદુ રહેલા કંપનીના વિશ્વના સૌથી મોટા નવીનીકરણીય ઊર્જા પ્લાન્ટની આયોજિત ક્ષમતા ૩૦ ગિગાવોટ છે. કં૫નીએ આ સ્થળે ક્યારની ૯.૫ ગિગાવોટ સૌર ઊર્જા ક્ષમતા શરૂ કરી દીધી છે.




