અદાણી જૂથ હોસ્પિટાલિટી ક્ષેત્રમાં, IHG હોટેલ્સ-રિસોર્ટ્સ સાથે કર્યા કરાર

મુંબઈ: અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL)એ હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. IHG હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ સાથે મળીને તેઓ ભારતના મુખ્ય એરપોર્ટ-લિંક્ડ અને ઉચ્ચ-વૃદ્ધિ ધરાવતા પાંચ સ્થળોએ હોટલ (Hotel) ક્ષેત્રમાં પર્દાપણ કરશે. આ કરાર હેઠળ તેઓ ભારતમાં IHGના વિકાસની યોજનાઓ સાથે જુદા-જુદા સ્થળોએ લગભગ ૧,૫00 રુમ ઉમેરશે.

આ પોર્ટફોલિયોમાં જયપુરમાં કિમ્પ્ટન હોટેલ તેમજ અદાણી (Adani) એરપોર્ટ આગામી સમયમાં હોસ્પિટાલિટી-આધારિત બહુવિધ ઉપયોગી હોટેલના વિકાસમાં હોલીડે ઇન અને હોલીડે ઇન એક્સપ્રેસ હોટેલનો સમાવેશ થાય છે. આ હોટેલોનું નિર્માણ નવી મુંબઈ, મેંગલુરુ, જયપુર અને તિરુવનંતપુરમમાં કરવાનું આયોજન છે. ડિઝાઇન-આધારિત હોટલ, રસોઇયા તેમજ બુટિક લક્ઝરી પોઝિશનિંગ માટે વૈશ્વિક સ્તરે જાણીતી કિમ્પટનનો આ ભાગીદારી હેઠળ ભારતમાં પ્રવેશ થશે.

અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL)ના ડિરેક્ટર પ્રણવ અદાણી (Pranav Adani)એ જણાવ્યું, અદાણી સમૂહ (Adani Group) હોસ્પિટાલિટી અને એરપોર્ટ-સંચાલિત શહેરી માળખાગત સુવિધાઓમાં તેની હાજરી વિસ્તારી રહ્યું છે. સાથેસાથે વિશ્વ-સ્તરીય સ્થળો બનાવવાનું અમારું વિઝન ભારતના ઝડપથી વિકસતા ઉડ્ડયન ઇકોસિસ્ટમની આસપાસ મુસાફરી, રોકાણ અને શહેરી અનુભવોને એકીકૃત રીતે સંકલિત કરે છે.

IHG હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના દક્ષિણ પશ્ચિમ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર સુદીપ જૈને (Sudeep Jain)એ જણાવ્યું, લક્ઝરી, પ્રીમિયમ અને આવશ્યક બ્રાન્ડ્સના મિશ્રિત આ પોર્ટફોલિયો અમોને ભારત દેશના ઉચ્ચ-વૃદ્ધિના બજારોમાં કંપનીની હાજરીને અર્થપૂર્ણ રીતે મજબૂત કરવાની મોકળાશ આપે છે.

IHG હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ હાલમાં ભારતમાં છ બ્રાન્ડ્સમાં બાવન હોટલ ચલાવે છે અને આગામી ત્રણથી પાંચ વર્ષમાં વધારાની ૯૮ હોટલો ખોલવાની અપેક્ષા છે.