અમદાવાદ: ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન સંચાલક કંપની ‘અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.’ (APSEZ) એ પોતાના બંદરો અને લોજિસ્ટિક્સ નેટવર્કને હાઇટેક બનાવવા માટે અમેરિકાની જાણીતી કંપની ‘કેલેરિસ’ (Kaleris) સાથેની વ્યૂહાત્મક ભાગીદારી લંબાવી છે. આ મલ્ટી-યેર કરાર હેઠળ કેલેરિસ કંપની અદાણી પોર્ટ્સના ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ૯ બંદરોમાં આવેલા તમામ ૧૫ કન્ટેનર ટર્મિનલ્સમાં પોતાની અદ્યતન ટર્મિનલ ઓપરેટિંગ સિસ્ટમ (TOS) અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત સોલ્યુશન્સ સેટ કરશે.
કંપનીના વર્ષ ૨૦૩૦ સુધીમાં વાર્ષિક ૧ અબજ ટન કાર્ગો પરિવહન ક્ષમતા હાંસલ કરવાના લક્ષ્યાંક અંતર્ગત આ પગલું લેવાયું છે. આ ટેકનોલોજીના ઉપયોગથી રબર ટાયર્ડ ગેન્ટ્રી (RTG) ક્રેનની કાર્યક્ષમતામાં ૨૦% અને ટર્મિનલ ટ્રકની ઉત્પાદકતામાં ૧૪% સુધીનો મોટો સુધારો જોવા મળશે. APSEZ ના સી.ઇ.ઓ અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે, AI ઓટોમેશન દ્વારા બંદરોની કામગીરી વધુ ઝડપી બનશે અને ગ્રાહકોને વર્લ્ડ-ક્લાસ સર્વિસનો અનુભવ મળશે.






