અદાણી યુનિવર્સિટીના NFSU સાથે શિક્ષણ-સંશોધન પ્રવૃત્તિઓ માટે MoU

Adani University Signs MoU with NFSU for Educational and Research Collaboration

ગાંધીનગર: અમદાવાદની અદાણી યુનિવર્સિટીએ શૈક્ષણિક શ્રેષ્ઠતાને મજબૂત બનાવવા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) સાથે સમજૂતી કરાર (MoU) કર્યા. આ પ્રસંગે NFSUના કુલપતિ પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસ અને અદાણી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. પ્રીતિ અદાણી ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. NFSU-ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે અને ડો. ધવલ પૂજારા, પ્રોવોસ્ટ, અદાણી યુનિવર્સિટી દ્વારા આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે બંને સંસ્થાઓ વચ્ચે શૈક્ષણિક સહયોગ, સંશોધન શ્રેષ્ઠતા અને નવીનતાને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

NFSUના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે કહ્યું, “આ સીમાચિહ્નરૂપ સમજૂતી કરાર બન્ને અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓની શિક્ષણ-સંશોધન પ્રવૃત્તિઓમાં અને ખાસ કરીને એન્જિનિયરિંગ, વિજ્ઞાન અને મેનેજમેન્ટના ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે. બંને વિખ્યાત શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ ક્ષેત્રે નવીનતાઓ, વિદ્યાર્થીઓના વિકાસ અને સંશોધન પ્રગતિ પર કુશળતા અને માહિતીનું આદાન-પ્રદાન કરશે. સેમિનાર, પરિસંવાદો અને શૈક્ષણિક ચર્ચાઓના સંયુક્ત આયોજન દ્વારા વૈશ્વિક સ્તરના શૈક્ષણિક આયોજન થશે.”

NFSU-ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારેએ જણાવ્યું હતું કે આ એક મહત્ત્વપૂર્ણ સહયોગમાં, બંને શૈક્ષણિક સંસ્થાઓ સંયુક્ત રીતે ટૂંકાગાળાના અભ્યાસક્રમો અને મહત્વપૂર્ણ સંશોધન મુદ્દાઓને સ્પર્શતી બેઠકોનું પણ આયોજન કરશે. આ ભાગીદારી સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ્સ અને સતત શિક્ષણ કાર્યક્રમો વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સંશોધન માટેની તક પૂરી પાડશે.

આ સમજૂતી કરાર દરમિયાન અદાણી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. એપી. વ્યાસ; NFSUના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર  સી.ડી. જાડેજા; પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગોવા સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.