અમેરિકા: રાષ્ટ્રીય પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસની બહાર બુધવારે થયેલી ગોળીબારની ઘટનાએ સમગ્ર દેશમાં સનસનાટી ફેલાવી દીધી છે. એક શૂટરે ત્યાં તૈનાત બે નેશનલ ગાર્ડના સભ્યોને ગંભીર રીતે ઘાયલ કર્યા છે. વળતા જવાબમાં સુરક્ષા દળોએ હુમલાખોરને પણ ઘાયલ કરીને કસ્ટડીમાં લઈ લીધો છે. આ ઘટના બાદ ટ્રમ્પે ગુસ્સો વ્યક્ત કરતા આરોપીને ‘જાનવર’ કહ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે આ આતંકી હુમલો જ હતો.
શૂટરની ઓળખ 29 વર્ષીય રહેમાનુલ્લાહ લખનવાલ તરીકે થઈ છે, જે અફઘાન મૂળનો છે અને 2021માં અમેરિકા આવ્યો હતો. તેણે 2024માં શરણાર્થીના દરજ્જા માટે અરજી કરી હતી અને તેને આ જ વર્ષે મંજૂરી મળી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં, એફ.બી.આઈ. (FBI) આ મામલાની તપાસ આતંકવાદી હુમલાના એંગલથી કરી રહી છે. સોશિયલ મીડિયા પર એક તસવીર પણ વાયરલ થઈ રહી છે, જે કથિત રીતે વ્હાઇટ હાઉસ ગોળીબારના આરોપીની હોવાનું કહેવાય છે.
હુમલો ફેરાગટ વેસ્ટ મેટ્રો સ્ટેશન પાસે થયો, જ્યાં લાકનવાલ થોડા સમય સુધી રાહ જોતો રહ્યો અને પછી અચાનક 2:15 વાગ્યાની આસપાસ તેણે ગોળીબાર શરૂ કરી દીધો. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, તેણે પહેલા એક મહિલા ગાર્ડને છાતીમાં ગોળી મારી અને પછી માથામાં. આ પછી તેણે બીજા ગાર્ડ પર ફાયર કર્યું. તે જ સમયે નજીકમાં હાજર ત્રીજા ગાર્ડે દોડીને હુમલાખોરને કાબૂમાં કરી લીધો. ધરપકડ થતા પહેલા લાકનવાલને ચાર ગોળીઓ વાગી અને તેને લગભગ કપડાં વિના જ એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો.
રિપોર્ટ અનુસાર, લાકનવાલ ઓપરેશન એલાઇઝ વેલકમ પ્રોગ્રામ હેઠળ અમેરિકા આવ્યો હતો. તેને વોશિંગ્ટનના બેલિંગહામમાં વસાવવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે લખનવાલે એકલા હાથે આ હુમલો કર્યો હતો અને અત્યાર સુધી તેનો હેતુ સ્પષ્ટ નથી.




