ભારત પછી હવે અફઘાનિસ્તાન પણ પાકિસ્તાનનું અટકાવશે પાણી

કાબુલઃ ભારત પછી હવે અફઘાનિસ્તાન પણ નદીઓ મારફતે પાકિસ્તાનને મળતું પાણી અટકાવે એવી શક્યતા છે. તાલિબાનના ઉપમાહિતી મંત્રી મુજાહિદ ફરાહી જણાવ્યું છે કે જલ અને ઊર્જા મંત્રાલયને તાલિબાનના સર્વોચ્ચ નેતા શેખ હિબતુલ્લાહ અખુન્દઝાદાએ કુનર નદી પર બંધ બાંધવાનો આદેશ આપ્યો છે. આ નદી પાકિસ્તાનમાં પણ વહે છે અને જો બંધ બાંધવામાં આવશે તો પાકિસ્તાનમાં પાણી માટે હાહાકાર મચવાનો નક્કી છે. તાલિબાને આ નિર્ણય અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા અથડામણ પછી લીધો છે, જેમાં બંને બાજુના ઘણા લોકો માર્યા ગયા હતા.

અફઘાનોને પોતાના સ્રોતો પર અધિકાર

મુજાહિદ ફરાહી મુજબ તાલિબાનના સર્વોચ્ચ નેતાએ વિદેશી કંપનીઓની રાહ જોવાને બદલે સ્થાનિક અફઘાન કંપનીઓ સાથે આ પ્રોજેક્ટ આગળ ધપાવવા કહ્યું છે. જલ અને ઊર્જા મંત્રી મુલ્લા અબ્દુલ લતીફ મન્સૂરે આ પગલાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે અફઘાનોને પોતાના જળસ્રોતોનું સંચાલન કરવાનો અધિકાર છે.

પાકિસ્તાન માટે ડબલ આંચકો

કુનર નદી પર બંધ બાંધવાનો નિર્ણય પાકિસ્તાન માટે ડબલ આંચકો સાબિત થઈ શકે છે. કારણ કે ભારત પહેલેથી જ સિંધુ નદી કરારને સ્થગિત કરી ચૂક્યું છે. હવે કહી શકાય કે પાકિસ્તાન ટુ-ફ્રન્ટ વોટર વોરમાં ફસાતું જઈ રહ્યું છે — એક બાજુ ભારતનું કડક વલણ અને બીજી બાજુ તાલિબાનનું પાણી રોકવાનું પગલું, જેનાથી પાકિસ્તાનની હાલત ખરાબ થવાની છે.

અફઘાનિસ્તાને પાણીને આપી પ્રાથમિકતા

વર્ષ 2021માં સત્તામાં આવ્યા બાદ તાલિબાને અફઘાનિસ્તાનના પાણીના સ્વરાજને પ્રાથમિકતા આપી છે. તેણે ઊર્જા ઉત્પાદન, સિંચાઈ અને પડોશી દેશો પરની નિર્ભરતા ઘટાડવા માટે દેશની નદી પ્રણાલીઓનો ઉપયોગ કરીને બંધ બાંધકામ અને જલવિદ્યુત વિકાસની યોજનાઓને વેગ આપ્યો છે. વધુમાં, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે કોઈ સત્તાવાર દ્વિપક્ષીય જળ-વહેંચણી કરાર નથી. ઇસ્લામાબાદ પહેલેથી જ અફઘાનિસ્તાનના જળસ્વરાજના આ નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે.