ચંડીગઢ: પંજાબની જેમ હવે હરિયાણામાં પણ કોંગ્રેસની આંતરિક જૂથબાજી ખુલ્લેઆમ સામે આવી છે. પંજાબમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ચરણજિત સિંહ ચન્ની અને કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે હવે હરિયાણામાં પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વચ્ચે મતભેદો સ્પષ્ટ દેખાવા લાગ્યા છે. 
હરિયાણામાં એક તરફ ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા છે, તો બીજી તરફ રણદીપ સિંહ સૂરજેવાલા છે. હુડ્ડા લાંબા સમયથી હરિયાણા કોંગ્રેસના સૌથી મોટા ચહેરા તરીકે ઓળખાતા રહ્યા છે, જ્યારે સૂરજેવાલા છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઝડપથી આગળ વધ્યા છે. હવે આ બંને નેતાઓ વચ્ચે મતભેદોની ચર્ચા તેજ બની છે, કારણ કે બંનેએ નવા પ્રદેશ પ્રભારી સંજય દત્તની હાજરીમાં એકબીજા પર આડકતરી ટિપ્પણીઓ કરી હતી. હકીકતમાં આ ઘટના બુધવારે સામે આવી હતી, જ્યારે કોંગ્રેસની હરિયાણા એકમના પ્રભારી સંજય દત્તે ચંડીગઢમાં રાજ્યભરના પાર્ટી નેતાઓ અને પદાધિકારીઓ સાથે અનેક તબક્કાની બેઠકો યોજી હતી. તેમણે હરિયાણા કોંગ્રેસ મુખ્યાલયમાં આયોજિત બેઠકોમાં ભાગ લીધો હતો.
“સૂરજેવાલા સાથ આપે તો…” -સામે “20 વર્ષથી સાથ આપી રહ્યો છું”
આ બેઠક દરમિયાન બંને નેતાઓએ એકબીજા પર ટિપ્પણીઓ કરી હતી. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું હતું કે રણદીપ સૂરજેવાલા મારો સાથ આપે તો પછી જુઓ કેવો ધમાકો થાય છે. તેના જવાબમાં રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું હતું કે મને તમારો સાથ આપતાં 20 વર્ષ થઈ ગયા છે, હવે તમારો વારો છે મને સાથ આપવાનો. પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં બે વરિષ્ઠ નેતાઓ વચ્ચે થયેલી આ શબ્દયુદ્ધ જેવી ટિપ્પણીઓ કોંગ્રેસમાં ચાલી રહેલી જૂથબાજી તરફ સંકેત આપે છે.

ચંડીગઢમાં પ્રભારીની બેઠક દરમિયાન બન્યો સમગ્ર પ્રસંગ
હરિયાણા કોંગ્રેસમાં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને રણદીપ સિંહ સૂરજેવાલા લાંબા સમયથી એકબીજાના રાજકીય પ્રતિસ્પર્ધી માનવામાં આવે છે. ચંડીગઢમાં હરિયાણા કોંગ્રેસના નવા પ્રભારી સંજય દત્તની હાજરીમાં બંનેએ એકબીજા પર આડકતરી ટિપ્પણીઓ કરી હતી.
બેઠકમાં અનેક વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો હાજર હતા
જે બેઠકમાં આ સમગ્ર ઘટના બની તેમાં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, દીપેન્દ્ર હુડ્ડા, રણદીપ સિંહ સૂરજેવાલા ઉપરાંત બીરેન્દ્ર સિંહ, કુમારી સૈલજા, રાજ્યના કોંગ્રેસ ધારાસભ્યો, સાંસદો અને અન્ય વરિષ્ઠ પદાધિકારીઓ હાજર હતા.




