રાહુલ બાદ હવે સોનિયા ગાંધીને  CTIની રેલી મુલતવી રાખવાની અરજ

નવી દિલ્હીઃ દિલ્હીના ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)એ શુક્રવારે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને અપીલ કરી છે કે તેઓ પહેલી નવેમ્બરે રામલીલા મેદાનમાં યોજાનારી પાર્ટીની પ્રસ્તાવિત મહારેલીને મુલતવી રાખે.

CTIએ પત્રમાં જણાવ્યું હતું કે દિલ્હીના 20 લાખ વેપારીઓ વતી અમારી માગ છે કે આ રેલી દિવાળી બાદ એટલે કે 10-11 નવેમ્બર પછી યોજવામાં આવે. CTIએ વધુમાં કહ્યું હતું કે અમે રેલીનો વિરોધ નથી કરી રહ્યા, પરંતુ દિવાળીની સૌથી વ્યસ્ત સીઝનમાં અમારી રોજીરોટી બચાવવા હાથ જોડીને વિનંતી કરી રહ્યા છીએ. છઠ્ઠી નવેમ્બરે ધનતેરસ અને આઠ નવેમ્બરે દિવાળી છે. પહેલી નવેમ્બર તેની તૈયારીઓનો સૌથી મહત્ત્વનો દિવસ છે. જો 1 નવેમ્બરે 10 લાખ લોકો અને 15થી 20,000 વાહનો મધ્ય દિલ્હીમાં આવશે તો 20 ઐતિહાસિક બજારોમાં દરરોજ થતો 10થી 12,000 કરોડ રૂપિયાનો વેપાર ઠપ થઈ જશે.

CTIએ રેલીને કારણે ઊભા થનારાં ચાર સંકટ ગણાવ્યાં

આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે. ટ્રાન્સપોર્ટરો 31 ઓક્ટોબરથી જ માલસામાનનાં વાહનો મોકલવાની ના પાડી રહ્યા છે. એટલે તેની અસર માત્ર 1 નવેમ્બરથી નહીં, પરંતુ 31 ઓક્ટોબરથી જ શરૂ થઈ જશે.

CTIની સોનિયા ગાંધી સમક્ષ બે માગ

CTIના ચેરમેન બૃજેશ ગોયલે સોનિયા ગાંધી સમક્ષ બે માગણીઓ રજૂ કરી છે. તેમણે જણાવ્યું હતું કે 1 નવેમ્બરની રેલી દિવાળી બાદ એટલે કે 10-11 નવેમ્બર પછી યોજવામાં આવે, જેથી ધનતેરસ અને દિવાળીના વેપારને કોઈ પણ પ્રકારની અડચણ ન આવે. જો રેલી યોજવી જ હોય તો રામલીલા મેદાનને બદલે બુરાડી મેદાનમાં યોજવામાં આવે, જ્યાં 15,000 વાહનોના પાર્કિંગની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

‘અમને આશા છે કે તમે અમારી વિનંતી સાંભળશો’- CTI

આ ઉપરાંત દરરોજ દિલ્હી આસપાસનાં શહેરો અને નગરોમાંથી 3થી 4 લાખ લોકો ખરીદી માટે દિલ્હીનાં અલગ-અલગ બજારોમાં આવે છે. રેલીના કારણે તેઓ પણ દિલ્હીમાં આવવાનું ટાળી શકે છે. CTIએ પત્રમાં વધુમાં લખ્યું કે સોનિયાજી, તમે હંમેશાં નાના વેપારીઓનો અવાજ સાંભળ્યો છે. અમને આશા છે કે તમે અમારી વિનંતી સાંભળશો અને રેલીને દિવાળી પછી યોજવાનું નક્કી કરશો. અમે રાહુલ ગાંધીજીને પણ અપીલ કરી હતી, પરંતુ તેમણે અમારી વિનંતી સ્વીકારી નહોતી. હવે અમારી છેલ્લી આશા માત્ર તમારી પાસેથી છે.